સરવૈયું - '23
સરવૈયું - '23
આ લખું છું ત્યારે સપ્ટેમ્બર માસની 24 તારીખના સૂરજના કિરણોની ઉષ્મા અનુભવી રહ્યો છું.
ગઇકાલે તા: 23/09/23 હતી. સુભગ સમન્વય એવો સધાયો કે, આ દિવસે એક જ સમયે બે સ્થળોએથી બાળકોના આશીર્વાદ અને મારા સહકર્મચારીઓના સહકારના ભાગરૂપે મારા શાળાકીય કાર્યોની સુવાસના પરિપાક રૂપે સુરતના The Sadharn Gujrat Chamber of Commerce & Industry ધ્વારા 'શ્રેષ્ઠ ગુરુવર્ય એવોર્ડ' અને વલ્લભ વિદ્યાનગરની Indian Society For Training And Development (ISTD), Anand ધ્વારા 'અનન્ય - યુનિક ટીચર્સ ફેલિસીટેશન' એવોર્ડ પ્રાપ્ત થયો. જે મારી શાળાને અર્પણ કરું છું.
આ વાંચશો ત્યારે એમ થશે કે, "એવોર્ડ પ્રાપ્ત થાય એનો ઢોલ જાતે જ પીટવાનો ના હોય" પરંતુ સાચી સ્થિતિ એ છે કે, આપણી શાળાના બાળકો માટે જે કામ કરતા રહેલા છીએ તેમાં આપણે એકલા જ નથી હોતા. આખી ટીમ સાથે હોય તો જ આ બધા સફળ કાર્યો શક્ય છે. મારા 23 વર્ષના નોકરીના સમયગાળામાં આર્ટ એન્ડ કલ્ચર એકેડમી, મહારાષ્ટ્ર, નિવેદિતા ફાઉન્ડેશન - આણંદ, લાયન્સ કલબ, GCERT ગાંધીનગર, DIET આણંદ અને જિલ્લાના શિક્ષણ વિભાગ ધ્વારા અલગ અલગ રીતે સન્માનિત કરવા બદલ આભાર માનવો જ પડે.
એકતાનગર પ્રા. શાળામાં કામ કરવાનો મોકો તો છેલ્લા 2012 ના વર્ષથી મળ્યો છે. આ અગાઉ 2001 થી 2007 સુધી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ભેરાઈ પ્રા. શાળા હોય, બી.આર.સી.-સી.આર.સી. કો.ઓર્ડિનેટરની જ્વાબદારી હોય, 2007 થી નાપા કુમાર કે નાપા વાંટા પ્રા.શાળા હોય, જલાલકૂઈ હોય કે એક્તાનાગર પ્રા.શાળા હોય આ દરેક સ્થળે સહ કર્મચારીઓ સાથે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરી બધાથી થોડું હટકે કામ કરવાની ગતિ (કેટલાક મિત્રોને ના ગમે એ શક્ય છે) જ સફળતા અપાવે છે. 2012 થી 2023 સુધીના 12 વર્ષના સમયગાળામાં એકતાનગર પ્રા. શાળામાં 12 જેટલા નવા આયામો તરફ આગળ વધવાની ટેવમાં એસ.એમ.સી. સભ્યો અને વાલીઓનો સાથ થકી ઘણું શીખવા મળ્યું.
23 નો આંકડો મારા માટે કદાચ શુભ લાગે છે. શિક્ષક તરીકેના મારા 23 વર્ષના કાર્યકાળમાં 23 પ્રમાણપત્રો અને શિલ્ડ (એવોર્ડ) પ્રાપ્ત થયા છે અને 23 તારીખે એકસાથે બે સ્થળોએ સન્માન હોય એ મારા માટે તો આનંદની વાત હોય જ, સાથે સાથે શાળા માટે પણ એટલું જ ગૌરવ છે. "બાલ દેવો" માટે જેટલું ઉત્તમ કાર્ય કરી શકીએ એવી પ્રભુ શક્તિ ને બુદ્ધિ આપે એવી આશા...
----------------------
Comments
Post a Comment