ગીતા જ્ઞાન, સબસે મહાન

 ગીતા જ્ઞાન, સબસે મહાન

          આજથી 5000થી વધુ વર્ષો પહેલાં કુરુક્ષેત્રની રણભૂમિમાં-મહાભારતના યુદ્ધમાં અસમંજસમાં ફસાયેલા અર્જુનને  નિમિત્ત બનાવી સૌના હૃદયસમ્રાટ અને પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ રચિત મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 એ 18 અધ્યાય એટ્લે શ્રીમદ ભગવદગીતા. 18 અધ્યાય અને 700 શ્લોકોમાં ગૂંથાયેલી આ ગીતા વિશ્વને ઉચ્ચત્તમ તત્વજ્ઞાન આપી રહી છે. અત્યાર સુધીમાં સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી લખાયેલા ધર્મગ્રંથોમાંથી એકપણ પુસ્તકનો જન્મદિવસ મનાવવામાં આવતો નથી, પણ શ્રીમદ ભગવદગીતાની એક પુસ્તક તરીકે નહિ, પણ ધર્મગ્રંથ તરીકે જન્મજયંતી ઉજવાતી રહી છે. અર્જુન વિષાદયોગથી શરૂ થયેલી તત્વજ્ઞાનની અનુષ્ટુપ છંદમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના શ્લોકોમાં રચાયેલી  વિચારધારાનો પ્રવાહ મોક્ષસંન્યાસ યોગ સુધી વહેતો રહ્યો છે.એનું કારણ છે કે, આ ગીતાનો ગાનાર ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે.

          હતાશ અને નિરાશ થયેલા માનવસમાજને સાહસ, શ્રદ્ધા અને આશ્વાસન આપવા પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવી સૌને માર્ગદર્શન આપ્યું છે. જેમનું જીવન જ ગીતામય છે એવા પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી જણાવે છે કે, “પરમાર્થમય જીવન ગાળનારાઓમાં ભગવાન શ્રીકૃષ્ણ અગ્રસ્થાને બિરાજે છે. ભગવાન બુદ્ધે બુદ્ધિ દ્વારા પોતાના ધર્મનો પ્રચાર કર્યો, ઈસુ ખ્રિસ્તે સૌજન્યથી પોતાના ધર્મનો પ્રચાર કર્યો અને મોહમ્મદ પયગંબરે નિશ્ચયપૂર્વક પોતાના ધર્મનો પ્રચાર કર્યો. ભગવાન શ્રીકૃષ્ણમાં આ ત્રણેય વસ્તુઓ નિશ્ચય, બુદ્ધિ અને સૌજન્યનો સુંદર અને સુભગ સમન્વય જોવા મળે છે.” આપણા સર્વ પ્રશ્નોના જેમાં સચોટ ઉકેલ છે તેવી સર્વશાસ્ત્રમયી ગીતા આજના ‘અરજણ’ માટે પણ ઉપયોગી સાબિત થઇ રહી છે. નિઃસ્વાર્થ જીવન જીવી પોતાની કુશાગ્ર બુદ્ધિથી નાનપણથી જ અનોખા પરાક્રમી એવા શ્રીકૃષ્ણ સાચા અર્થના ‘નેતા’ તરીકે ઉભરી આવે છે. ગોખલામાં મૂકી રાખવા કે માત્ર કોર્ટમાં સોગંધ લેવા (કદાચ...હવે ઉપયોગ થતો નથી.) માટે જ આ ગીતા નથી. 

           ગાંધીજીએ ગીતા વિશે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, ''મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં રહે છે. હું તો ચાહું છુ કે, ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં, પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે.” વિનોબાજીના ઉદ્ગારો પણ સંભાળવા જેવા છે - ''મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથીએ વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે. હેન્રી ડેવિડ થોરો કહે છે, “મારા જીવનના કોઈપણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે.” એમર્સનના શબ્દો છે, “ગીતા માનવજાતની સર્વોચ્ચ સંપત્તિ છે. 'सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि।'(ગીતા-૬/૨૯) જેવાં વાક્યો વાંચી મારું હૃદય પુલકિત થઈ ઊઠે છે.'' વોરન હેસ્ટિંગ્સે પણ અનુભવ્યું છે કે, ''નીતિને ઉન્નતિના ટોચ પર પહોંચાડવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.'' આવા વિશ્વચિંતકો પણ જેના પર મનન - ચિંતન કરી તે વિચારો મુજબ જીવવા પ્રયત્ન કર્યો છે એવી સર્વશાસ્ત્રમયી ગીતાને વાંચવા, ગોખવા કે માત્ર પૂજન કરવાનો ગ્રંથ નહિ, પણ તે મુજબ જીવન જીવવાનો ગ્રંથ છે એ ન ભૂલીએ. હિંદુ હોવાનું ગૌરવ જાળવી સંસ્કૃતિ ટકી રહે તે માટે સતત ચિંતિત રહેતા સૌએ આ વાતો આપણાં બાળકો અને આવનારી પેઢીઓ સુધી લઈ જવાની જરૂર છે.  

(વિચારાધારા : પ.પૂ. પાંડુરંગશાસ્ત્રી આઠવલે)

લેખન : ભાનુપ્રસાદ પંચાલ 

Comments

  1. जिस तरह आग सोने को परखती है उसी तरह मुसीबत एक बहादुर इंसान को।

    श्रीमदभगवद्गीता

    ReplyDelete
  2. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्।।
    गीता जयंती की हार्दिक शुभकामनाएं

    ReplyDelete
  3. जिस तरह आग सोने को परखती है उसी तरह मुसीबत एक बहादुर इंसान को।

    श्रीमदभगवद्गीता

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

School Innovation Council - State Level Workshop

'સરદારની અસરદાર એકતા'