મોહકતા ને માંગણીનો સંગમ

 મોહકતા ને માંગણીનો સંગમ 

  

ઉત્તરાયણ પછી ઉજવાતો સૌથી મોટો ઉત્સવ એટલે વસંતોત્સવ. માઘ માસની શુકલ પક્ષની પંચમીના દિવસે આવતી વસંતપંચમી આમ તો વેદકાલીન ઉત્સવ ગણાય છે. કુદરત પાનખર પછી સોળે કળાએ ખીલી, સૌદર્યની લહાણી કરતો આ કુદરતી ઉત્સવ માનવામાં આવે છે. સૃષ્ટિને વાચા આપવા બ્રહ્માજીના કમંડળમાથી જળ છાંટતા માનવીજીવનમાં શબ્દોની શક્તિનો સંચાર થયો. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીના પ્રાદુર્ભાવનો આ દિવસ છે. પાનખરને વિદાય આપી વસંતને ઉમળકાભેર આવકારવાનો અને માણવાનો પવિત્ર દિવસ એટ્લે વસંતપંચમી.

બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની દેવી તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પણ જેને નમન કરે તેવા પરમેશ્વરી ભગવતી માં સરસ્વતીની આરાધના કરવાનો પણ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. શ્રીમદ ભગવદગીતા’, રામાયણ અને ઋતુસંહાર કાવ્યમાં પણ ઋતુરાજ વસંતનો ઉલ્લેખ કરાયો છે. જીવન જીવવાની સાચી રીત શીખવી વિચાર, વાણી અને વર્તનને પરિશુદ્ધ કરનાર શિક્ષાપત્રી ગ્રંથનો પ્રાદુર્ભાવ પણ આ દિવસે જ થયો હતો. આ દિવસે કોઈ મુહૂર્ત જોયા વગર જ શુભકાર્યોની શરૂઆત કરવામાં આવે છે. પહેલાંના બ્રાહ્મણો પોતાના બાળકોને જનોઈ આપી વસંતપંચમીથી આશ્રમમાં પ્રવેશ કરાવતા હતા. આમ, પ્રકૃતિના ઉત્સવના વધામણાં કરવાનો દિવસ એટ્લે વસંતપંચમી.

માનવી સામાજિક પ્રાણી છે. આજીવન પ્રકૃતિ સાથે જ જીવતો આવ્યો છે. માણસની કોઈ પ્રવૃતિ પ્રભુ એટ્લે કે પ્રકૃતિ વગર શક્ય જ નથી. કુદરતનો પ્રભાવ અને પ્રકાશ માનવને હૂંફ પૂરી પાડતો રહ્યો છે અને તેથી જ તો વસંતઋતુ સૌને ગમતી ઋતુ છે. અત્યારે વૃક્ષો પર નવી ખીલેલી કૂંપળોને જોયા પછી એવો વિચાર આવે કે, ડરવા કે રડવાથી જીવનમાં આવતા દુઃખ થોડા ઓછા થઈ જવાના છે? જીવનમાં પાનખર પછી વસંત આવે છે, તેમ દુઃખ પછી સુખ આવે જ છે. આમ, સૃષ્ટિનું યૌવન એ જીવનની વસંત છે. તરુવરોનો શણગાર અને માદક સુવાસથી ખીલી અને મહેંકી ઊઠેલું નિસર્ગમય વાતાવરણ સાચે જ આહલાદકતા આપે છે. જીવનમાં તન અને મનને ખીલવવું હોય તો નવપલ્લવિત વસંતને માણતાં શીખવું પડે. 

નવ પલ્લવિત હસતી કૂંપળોના વધામણા એ આપણા જીવનમાં અલગ સ્ફૂર્તિ અને આનંદ લાવે છે. સાત્વિકતા અને નિર્મળતાનો સંગમના પવિત્ર દિવસે ભગવાન કૃષ્ણએ પણ માં દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી. તેથી એમ પણ કહેવાય છે કે, સૌંદર્યની ઉપાસના એટલે શ્રીકૃષ્ણની ઉપાસના. ઋતુઓમાં સર્વશ્રેષ્ઠ વસંતઋતુએ માં સરસ્વતીને યાદ કરવાની સાથે સાથે આ પ્રકૃતિને પણ જોવા - માણવાનો  અનોખો અવસર છે. વસંતની મોહકતાને માણીએ. વસંતઋતુ આવતાં જ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહભર્યું વાતાવરણ તૈયાર થાય છે. જીવનને હરિયાળું અને સુગંધી બનાવવાનું વસંત જ શીખવે છે. 

જીવનમાં આવતા સુખ-દુઃખ, યશ-અપયશ, જય-પરાજય જેવા પ્રસંગોએ સમાનતા રાખતા શીખવું પડશે. અભ્યાસુ ને જ્ઞાની એવા આપણે જ દિવસે દિવસે પર્યાવરણ દૂષિત કરતા રહેલા છીએ. ત્યારે આવો, આપણે જ્ઞાનની દેવી માં સરસ્વતીની વંદના સાથે પર્યાવરણની જાળવણી તરફ ધ્યાન આપીએ. મોબાઈલ અને ઇન્ટરનેટના ટેક્નોલૉજી યુગમાં આપણે કુદરતને ન ભૂલી જઈએ. યંત્રવત જીવનમાંથી બહાર આવી વાસંતી માહોલમાં કુદરતના ખોળે આપણી વસંતવાટિકા ખીલવીએ. બુદ્ધિશાળી અને વિવેકશીલ બની ખીલતા અને ખૂલતા રહીએ. આપણા જીવનમાંથી જડતા દૂર થાય અને સદાય વસંત ખીલતી રહે, ઈશશ્રદ્ધા સાથે જીવન હરિયાળું બને તેવા શુભ સંકલ્પ સાથે આ ઉત્સવને ઉજવીએ.

વસંતપંચમીની સાથે સાથે આજે વેલેન્ટાઇન દિવસ પણ છે. પ્રેમના ઉત્સવ તરીકે ઉજવાતા આ દિવસે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી દૂર રહી, એકબીજાને કંઇક આપવું જ છે તો નિઃસ્વાર્થ પ્રેમ અને ભાવ આપીએ. નિઃસ્વાર્થ કૃતિ સાથે સાચો સાથ અને હૂંફ પૂરા પાડીએ. એકમેકમાં વિશ્વાસ ઊભો કરીએ. કશું લેવા નહિ, આપવાની ભાવના કેળવીએ. આ જ વૃતિ સદાય સંબંધોમાં મીઠાશ આપશે. 

આવો, કોઈના દિલને ખુશ રાખવા કોઈ વસ્તુ જ ભેટ આપવી એવું નથી. કોઈના હ્રદયમાં જગા પ્રાપ્ત કરવી એ નાનીસૂની વાત નથી. ઓછી અપેક્ષાઓ સાથે એકમેક સાથે માંગણીઓથી નહિ, લાગણીઓથી જોડાઈને પરસ્પર પારખવા કરતાં સમજવાનો પ્રયાસ કરીએ. આજ વિચારધારા આપણા કોમળ સંબંધોને આજીવન ટકાવી રાખશે.

અંતમાં, એટલું જરૂર કહીશ કે, "મને તું ગમે છે, કારણ કે મને 'વસંત' ગમે છે."        

જય વસંત...  

Comments

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024