બાપૂ, સત્ય અને આપણે – 2024

 બાપૂ, સત્ય અને આપણે – 2024


બાપૂના વિચારો સહિત જીવવાનો પ્રયાસ એટલે સત્ય દિવસ. સત્ય શાશ્વત અને સનાતન હોય છે. આ સત્યનું માનવીજીવનમા એટલું જ મહત્વ રહેલું છે. સાદું જીવન ઉચ્ચ વિચારની વાત સાથે જીવવાનું ગમે એટ્લે આજે થોડું સત્ય લખવાનું પણ મન થયું. 

      જીવનના દરેક બારામાં સત્ય સાથે જીવવાની તૈયારી હોય તો જ બાપૂને અનુસરી શકાય એમ હું માનું છુ. નાત-જાત અને છૂત-અછૂતના ભેદભાવોથી પર રહીને નઈ તાલીમના વિકારો ધરાવતા સંતને આજના દિને નમસ્કાર તો હોય જ, પણ સાથે સાથે એમની વિચારધારા જો આપના જીવનમાં ના ઉતારી તો અધૂરા જ કહેવાઈએ. આપણા વિચાર, વાણી અને વર્તનમાં પૂર્ણત: સત્ય આવે એ ઓછું શક્ય છે, પણ નિરપેક્ષ સત્ય જીવનમાં લાવવાનો પ્રયાસ મનને સ્વચ્છ અને સુઘડ ચોક્કસ બનાવે. કુટુંબ, સમાજ અને દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના આપણા અહંકારને ઓગાળી સ્વભાવને બદલાવશે.  

     વિદેશીઓને પણ ગાંધીજીના હોવાથી ભારત તીર્થ લાગતું હોય તો એ સૂકલકડી કાયા ધરાવતા મહાત્માને કેમ ભૂલી શકીએ. કદાચ આ રાષ્ટ્ર્પિતા ન હોત તો આપણે સ્વતંત્ર થયા હોત કે કેમ એ પ્રશ્ન છે. (સત્ય અને અહિંસાના પાઠ શીખવનારની તરફદારી કદાચ ચુસ્ત વિચારધારા ધરાવનાર લોકોને નહિ ગમે) બાપૂના જીવનના વિચારોને સમજીએ, જાણીએ અને અપનાવીએ. સાબરમતીના સંત ખડગ અને ઢાલ વગર આઝાદી અપાવી શકતા હોય તો કોઈપણ શસ્ત્ર કે શાસ્ત્ર ઉપાડ્યા વગર એમના જીવનમંત્રને જીવનમાં સાકારિત ન કરી શકીએ. આજે સત્યના આગ્રહ સાથે આત્મનિરીક્ષણ કરવાની જરૂર લાગે છે. 

 

        આત્મનિરીક્ષણ સાથે પોતાના જીવનની વાતોને બધા સામે એટલી જ સ્વસ્થતા સાથે મૂકી સત્યના પ્રયોગોની પ્રસ્તાવનામાં બાપૂ લખે છે કે, વાસ્તવિક રીતે આત્મકથા લખવાનો પ્રયાસ કરવાનો મારો હેતુ નથી. મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે પ્રયોગો કરેલાં છે તેની કથા લખવી છે. તેમાં મારૂં જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃતાંત જેવી થઈ જશે. જેમકે મારા જીવનમાં પ્રયોગો સિવાય બીજું કશું જ નથી, તેથી સાચું છે કે આ વાર્તા આત્મકથાનો આકાર લેશે. પરંતુ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતાને નિર્દોષ ગણું. આવો એકાદ પ્રયોગ હું જ્યાં કાર્યરત છું ત્યાં કર્યો ખરો? એકવાર આપણી જાતને ઢંઢોળવાની જરૂર છે. સત્ય જ ઈશ્વર છે તે ના ભૂલીએ.  

      સ્વચ્છતા અભિયાનને ૧૦ વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં હજી ગંદકી હોય તો આપણા માટે શરમજનક જ ગણાય. બાપૂ અવતાર ધરીને પાછા આ ધરતી પર પધારે તો એમનું જ માથું શરમથી ઝૂકી જાય.(એમણે કહ્યું/શીખવ્યું પણ આપણે કર્યું નહીં) ક્યાં સુધી સત્ય અને અહિંસાની વાતો કરતાં રહીશું? સત્ય સાથે જીવવાનો નાનો અમથો પ્રયાસ મોટી સફળતા અપાવશે. આવો, સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ. શાળા, ગામ, શહેર અને દેશ સ્વચ્છતાની સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત બને તેવા આપણે સૌ પ્રયાસો કરીશું તો આજની નવી પેઢીને વિશેષ આપી શકીશું.

     આજના દિવસે બાપૂના નામે કેટલું બધું કામ થશે, બીજા દિવસે છાપામાં છપાશે. ખરેખર આપણી જાત સાથે વાત કરવી જોઈએ કે, આપણે બાપૂના એકાદ વિચારને અનુસરવાનો પ્રયત્ન કર્યો ખરો? જો જવાબ હા માં હશે તો આપણી આસપાસ ફરતા બાપૂ ખુશ થઈ જશે.(વ્યક્તિ તો તેના આયુષ્ય મુજબ જીવે પણ એમની વિચારધારા પૃથ્વી ટકે ત્યાં સુધી રહે.) આવો, બાપૂના ચશ્માથી જોવાની ટેવ પાડીએ તો જ સત્ય દેખાશે ને સત્ય કરવાની ટેવ પણ પડશે. સૌને સત્ય દિવસની શુભેચ્છાઓ સાથે 'સત્ય સાધક' બાપૂને સાદર વંદન...


        

Comments

  1. “The future depends on what we do in the present.” Mahatma Gandhiji

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

મોહકતા ને માંગણીનો સંગમ