TEACHERS DAY SPECIAL 2020
TEACHERS DAY SPECIAL - 2020
શિક્ષકત્વ
પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.
સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને તેમના વાતોને જીવનમાં વણી દર વર્ષે આપણે ઉજવણી
કરતા રહેલા છીએ. આમ તો, શિક્ષક
માટે લોકજીભે રમતો શબ્દ છે ‘માસ્તર’. માના સ્તર સુધી જઈ બાળકોને શીખવવા -
સમજાવવાની જેની પાસે ત્રેવડ છે તે એટલે માસ્તર. ‘શિક્ષક’ના અંગ્રેજી મૂળાક્ષરો TEACHER ના શાબ્દિક
અર્થ આપણે સૌ જાણીએ જ છીએ. વિદ્યાર્થીઓમાં
રહેલા વિચારો અને કાર્યકુશળતા સાથે ભગવાન કૃષ્ણે જેમ અર્જુનને મહાભારતના યુદ્ધમાં 'ઉત્તિષ્ઠ' કહી મન
અને શરીરથી ઊભો કર્યો એમ બાળકોને સંસ્કાર સિંચન અને હિંમત આપી જ્ઞાન પૂરું પાડવાનો
તથા તેમની ઈચ્છા અને ફરજ સમજાવી તૈયાર કરવાના છે. આપણે સૌ સાચા અર્થના રોલ મોડેલ
બનીશું તો શિક્ષકમાંથી વિદ્યાર્થીઓ જાતે પ્રેરણા મેળવી વર્તન વ્યવહારમાં પરિવર્તન
લાવી શકશે.
શિક્ષક થવું તે દુર્લભમાં દુર્લભ ઘટના છે પણ એવું ત્યારે જ કહી શકીએ કે, જ્યારે આપણે શિક્ષક તરીકેના વ્યવસાયને ઉત્તમ રીતે નિભાવીએ. આપણે સાચા અર્થના આદર્શ અને આગવી પ્રતિભા ધરાવતા શિક્ષક બનવા આટલું તો કરવું જ પડશે. પ્રથમ તો વિદ્યાર્થીઓને શીખવવાની સાથે પોતે શીખીએ, વિદ્યાર્થીઓના ઘડતર સાથે પોતાનું ઘડતર કરીએ. બધા વિદ્યાર્થીઓ સાથે એકસરખો વ્યવહાર કરીએ ને કોઈ પ્રત્યે દ્વેષભાવ ન રાખીએ. આજના ટેકનોલોજીના યુગમાં હાલનું બાળમાનસ કંઇક ભાથું લઈને આવતું રહેલું છે તેને તેની સમજશક્તિ સાથે સફળતાના શિખરો સુધી પહોચાડવાની જવાબદારી આપણી છે તે ન ભૂલીએ. મને શું મળ્યું તેના કરતાં બાળકોને શું આપી શક્યા તેનો આત્મિક આનંદ કર્તૃત્વના રસ્તે આગળ લઇ જશે. વર્ગકાર્ય માટે પૂર્વતૈયારી અને શ્રેષ્ઠ અધ્યાપન કૌશલ્ય કરવા ઉપરાંત, વિદ્યાર્થીઓમાં સાચા અર્થમાં રસ નિર્માણ કરીએ.
હવે શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે. શીખવાડે તે શિક્ષક એવું નહિ,
સમજાવે તે શિક્ષક એમ કહેવું પડશે. બાળકો અને સમાજને સતત પ્રેરણા પૂરી
પાડનાર શિક્ષક જ સાચો પથદર્શક (પાથ ફાઈન્ડર) બની શકે. હવે સમય
આવ્યો છે ફેસીલીટીટરની ભૂમિકામાં કાર્ય કરવાનો. બાળકના મન અને હૃદય
સુધી પહોચવાની આપણી ઉત્સુકતા અને તે માટેના ઉત્તમ પ્રયાસ જ આપણા મનને પ્રફુલ્લિત
રાખશે. પુરુષાર્થ અને વિશ્વાસ સાથે આવનાર પેઢી ઊભી
થાય તે માટે સૌએ પ્રયત્ન કરવો પડશે. બાળકોમાં સદગુણોના સિંચન સાથે વિદ્યાનું ભાથું તૈયાર કરી, વ્યવસાયિક શિક્ષણ તરફ ઝોક વધે તેવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાસાઓને પણ ધ્યાનમાં
રાખવા પડશે. કોણે શું કર્યું શું ન કર્યું એની ચર્ચામાં પડ્યા વગર આપણે શું કરી
શકીએ છીએ તે જોવું પડશે. ભવિષ્યના સાંસ્કૃતિક મૂલ્યો સાથે ઉત્કૃષ્ઠ
સમાજનો પાયો તૈયાર કરવાની જવાબદારી જ્યારે શિક્ષકના શિરે છે ત્યારે આવો, સૌ શિક્ષકો સાચા અર્થના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ
બનીએ. કાષ્ઠને ચંદન અને ઉરને નંદન કરે એવા રોલ મોડેલ બની કર્મ કરતા રહીશું
તો બાળકો જ આપણા સર્વશ્રેષ્ઠ પારિતોષિક બની રહેશે.
શિક્ષક હોવાના ગૌરવ સાથે મારી વાતને પૂરી કરું.
‘‘જય શિક્ષક’’
Comments
Post a Comment