‘વિશ્વ પુસ્તક દિવસ’ - 23 એપ્રિલ 2021
‘વિશ્વ પુસ્તક દિવસ’ - 23 એપ્રિલ 2021
યુનેસ્કો દ્વારા દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં ઉજવાતો ‘વિશ્વ પુસ્તક દિવસ’ એટલે પુસ્તકની આગળ મસ્તક નમાવીને તેને વંદન કરવાનો દિવસ. આ યુગ ‘મસલ’ કે ‘મની પાવર’નો યુગ નથી, ‘માઈન્ડ પાવર’ નો યુગ છે. એટલે વારસામાં બાળકોને ‘સંપત્તિ’ નહીં આપીએ તો ચાલશે પરંતુ સારાં પુસ્તકો અવશ્ય આપીએ. “જે ઘરમાં દસ સારા પુસ્તકો ન હોય ત્યાં છોકરી આપવામાં કે લેવામાં જોખમ છે.”
ગુણવંત શાહના આ ઉત્તમ વિચારને સમજી લેવાની જરૂર છે. માણસના સ્વભાવ અને ઘડતરમાં માબાપ જેટલો પ્રભાવ છે તેટલો જ પ્રભાવ પુસ્તકોનો પણ છે. જીવનમાં મહાન કાર્યો કરવા અને આપણી નિષ્ફળતાઓને દૂર કરવા પ્રેરણા આપનાર પુસ્તકો પાસેથી જીવન જીવવાની કળા શીખવાની જરૂર છે.
સારા પુસ્તકો સાથેની મિત્રતા આપણને સારા વ્યક્તિ બનાવે છે. પુસ્તકો આપણા જીવનમાં સકારાત્મક મૂલ્ય લાવે છે. સારા દોસ્ત વગર જીવન જીવવું સરળ નથી એમ સારા પુસ્તકો વગર પણ જીવન અસહય જ ગણાય. એક સારા મિત્રની જેમ સારા વિચારો આપણા મનને સમૃદ્ધ બનાવે છે.
દુર્ગમ જંગલની વચ્ચે આવેલા નાનકડા ગામમાં રહીને કરિયાણાની દુકાનમાં કામ કરીને છાપાના કાગળો વાંચવાની ટેવ ધરાવનાર તથા ઘરની દીવાલો, લાકડાનું ફર્નિચર અને ઝાડનાં થડ પર કોલસા વડે પુસ્તકોમાંથી સુંદર વિચારો લખનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકે છે. આ તાકાત છે પુસ્તકોની. Books are a uniuely portable Magic. પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ અનિવાર્ય છે.
પુસ્તકોનું આપણા જીવનમાં ખૂબ મોટું મહત્વ રહેલું છે કારણ કે, પુસ્તકો આપણી પાસે કશું માંગતા નથી. તે માત્ર પુષ્કળ આનંદ જ આપે છે. આજે ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર અને ઈન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પુસ્તકો વાંચવાનું કે બીજી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનું ટાળી રહ્યા છે ત્યારે પુસ્તકો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. દરેક વ્યક્તિએ અભ્યાસની સાથે સાથે પોતાના વિકાસ માટે પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો વાંચવા જોઈએ.
લોકમાન્ય ટિળક કહે છે કે, “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ. કેમકે તેમનામાં એવી શક્તિ છે કે, જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” બુદ્ધિ પ્રતિભાશાળી બનાવવા માટે, વ્યક્તિત્વ વિકાસ કરવા માટે પુસ્તકોનું વાંચન ખૂબ જ જરૂરી છે.
પુસ્તકોના વાંચનથી
માત્ર શબ્દભંડોળમાં અને યાદશક્તિમાં વધારો થવાની સાથે સાથે લેખન અભિવ્યક્તિનો પણ વિકાસ
થાય છે. બધા મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરીએ તો, આપણને
તેમના પુસ્તકોનું વાંચન કરવાની આદત જ નવું શીખવી ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીજીની વાત કરીએ તો, તેમના જીવનમાં ‘Unto the
Last’ પુસ્તકના વાંચનને કારણે જ આપણને એક વકીલ ગાંધીમાંથી એક
મહાત્મા ગાંધી મળ્યા અને ત્યાર પછી ગાંધીજીનું જીવન બદલાઈ ગયુ.
આપણે એકલા હોઈએ ત્યારે હંમેશાં કોઈ પુસ્તક ઉપાડીએ અને આરામ અનુભવવા માટે વાંચન શરૂ કરી શકીએ. ઉત્તમ પુસ્તકો ઉત્તમ વિચારો આપે છે અને અજ્ઞાનતા દૂર કરે છે. જેમની પાસે જમવા કે ભણવા માટે પૂરતા પૈસા નહોતા છતાં પણ, કોલેજકાળમાં રોજિંદા ખર્ચમાંથી કાપ મૂકીને પુસ્તકો ખરીદી વાંચન કરનાર કવિ ઝવેરચંદ મેઘાણી પણ પુસ્તકો થકી આજે વિશ્વ વિખ્યાત થયા છે. માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ પણ પોતાની સમય કાઢીને રોજ એક કલાક પુસ્તકો વાંચે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન અબ્દુલ કલામને પણ પુસ્તક વાંચન ખૂબ જ શોખ હતો. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લીધી ત્યારે સામાનમાં 2500 જેટલા પુસ્તકો હતા. એ સિવાય થોડા કપડાં ને બૂટ હતા. એ સિવાય કશું હતું નહીં. રવીન્દ્રનાથ ટાગોર કહે છે, “ધનબળ, શક્તિબળ, આયુષ્યબળ કરતાં પણ પુસ્તક્બળ ચડિયાતું છે.”
માર્ક ટ્વેઇનનું જાણીતું વાક્ય છે,
‘જેઓ વાંચતા નથી તેવા લોકો, જેઓ વાંચી નથી શકતાં તેવા
લોકો કરતાં જરા પણ ચડિયાતા નથી.’
પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો આદિવાસી બની જાય તે પહેલા
ચાલો, પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ અને
આપણે સૌ પુસ્તકો વાંચવાનો, વંચાવવાનો અને વહેંચવાનો સંકલ્પ લઈએ.
Vaah,, 🙏 Thanks
ReplyDeleteGood work
ReplyDelete