"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી."

"....તો તમે શિક્ષક થવાને લાયક જ નથી."


આજે એકતાનગર પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષકની જવાબદારી સંભાળીને 9 વર્ષ પૂર્ણ થયા છે. શાળાના મુખ્યશિક્ષક કરતાંય શિક્ષક હોવાનું ગૌરવ વધારે છે. શાળા, બાળકો, ગામ અને વાલીઓના સંપૂર્ણ સહકારથી 9 વર્ષમાં શાળામાં ઘણો બદલાવ થઈ શક્યો છે એનો આનંદ છે. 'પરિવર્તન સંસારનો નિયમ છે' એટ્લે પહેલાં જે પણ હતું તેમાં બદલ ચોક્કસ આવ્યો છે.  કશુંક નવું કરવાની ખેવનાને કારણે શાળામાં 10 થી વધુ નવા આયામો સાથે સતત પાંચ વર્ષ સુધી ઇનોવેશનમાં 6 કૃતિઓ રજૂ કરી શાળાના બાળકોને અવકાશ અને આકાશ પૂરું પાડવાનો એક સફળ પ્રયાસ શાળાના શિક્ષકોના સહકાર (મોર પીંછાથી જ રળિયામણો..) થી થઈ શક્યો છે. શાળામાં અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરવાથી કામ કર્યાનો આત્મસંતોષ તો મળે છે પણ એટલેથી અટકી ન જતા રોજ કંઈક નવું વિચારવાનો સિલસિલો હજી ચાલુ જ છે. (પણ હા.. આપણે કંઈક નવું કરીએ એ બીજાને ન ગમે એવુંય બની શકે..?!?) 

આજના લખાણનું Heading વાંચીને થોડું આશ્ચર્ય થયું હશે ? આ જ વાત કરું છું પણ પહેલાં બીજી વાત કરી લઉં. હું અભ્યાસ કરતો હતો ત્યારથી કેટલાક શિક્ષકોને કાર્ય કરતાં જોઈ મને પણ શિક્ષક બનવાની તાલાવેલી હતી. ખૂબ ચઢાવ- ઉતાર સાથે હું શિક્ષક બન્યો ને આટલા વર્ષથી એ જ ગતિથી કાર્ય પણ કરું જ છું. છ્તાં કેટલાક પ્રસંગો આપણને હલબલાવી નાખતા હોય છે. આજે મને એક પ્રસંગ યાદ આવે છે તે કહેવો યોગ્ય લાગે છે એટ્લે Share કરું છું. થોડા સમય પહેલાં એક સમાલાપમાં એક વ્યક્તિએ એવું કહેલું કે, "જો તમને આટલું - આટલું નથી આવડતું તો તમે શિક્ષક થવાને લાયક જ નથી." આ વાક્ય સાંભળ્યા પછી હું જવાબ આપી શકવા ઉત્સુક હોવા છતાં મૌન સેવેલું. સાચે જ આ સમયે મારી શિક્ષક જાત પરનું બધુ ગૌરવ હણાઈ ગયું હોય એવું લાગેલું. ( એક પ્રકારનો માનસિક આઘાત જ સમજી લો..)  

બીજે દિવસે શાળામાં આવીને એ સુજ્ઞ મહાશય ધ્વારા બોલાયેલા વાક્યને યાદ કરતો કરતો શૂન્યમનસ્ક થઈ ગયો હતો. એટલામાં મોબાઈલમાં રીંગ વાગી. સ્વસ્થ થઈ ફોન રિસીવ કર્યો તો સામેથી અવાજ હતો એરફોર્સમાં ફરજ બજાવતા મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનો. તેણે ગુરુવંદના કરતાં કરતાં પોતાના અભ્યાસકાળ દરમિયાન મેળવેલી અભૂતપૂર્વ વાતો અને પોતાના જીવનવિકાસમાં કરેલી પ્રગતિની વાતોનો સિલસિલો ચાલુ રાખી અંતમાં "સાદર વંદન" પાઠવ્યા. આટલું સાંભળીને હું પાછો સ્વસ્થ થઈ ગયો. મારી શિક્ષક જાત માટેની આ ગૌરવપૂર્ણ ક્ષણો મને સાચા અર્થમાં જાગૃત કરી ગઈ. 

૫ મી સપ્ટેમ્બર માત્ર ઉજવણી માટેનો જ 'શિક્ષક દિન' નથી, પણ ચાણક્યના શબ્દોને યાદ કરી આપણા અસાધારણ વ્યક્તિત્વમાં રહેલા શિક્ષકત્વને પ્રકાશિત કરવું છે. બાળકો ડોક્ટર, ઈજનેર કે અન્ય વ્યવસાયમાં ઝંપલાવે તેનો વાંધો નથી, પણ તેમાથી કોઈ શિક્ષક બને એવો પ્રયાસ તો કરવો જ છે. શાળાના નાના ભૂલકાં અને આપણી સાથે કાર્ય કરતા શિક્ષકો આપણા એવોર્ડ છે. આવો, ઊગતી પેઢીના રાહબર બનીએ. ક્યારેય આપણા શિક્ષકના વ્યવસાયને બીજા વ્યવસાયો કરતાં ઓછો કે ઊતરતો ન ગણીએ.

'શિક્ષક થવું એ દુર્લભમાં દુર્લભ ઘટના છે' તે કદાપિ ન ભૂલીએ. 

'જય શિક્ષક'... વંદન સૌ શિક્ષક મિત્રોને... 

Comments

  1. "हल्का खून हवालदार का" ઉક્તિને ગુજરાતીમાં અનુવાદિત કરીએ તો "સસ્તું લોહી શિક્ષકનું" કરી શકાય. શિક્ષક દિન નિમિતે શિક્ષકના વ્યવસાય સાથે જોડાયેલ ગૌરવની લાગણી અદભુત છે. પરંતુ સાંપ્રત સમયમાં થઈ રહેલા બદલાવ (ખાસ કરીને Political Vendetta કહી શકાય તેવી ઘટનાઓ) પ્રસ્થાપિત કરે છે એક નગ્ન સત્ય કે "સસ્તું લોહી શિક્ષકનું".

    પોસ્ટમાં જેની વાત થયેલ છે તે મહાનુભાવનો વ્યવહાર પણ એ જ સત્ય સત્ય પ્રસ્થાપિત કરે છે - સસ્તું લોહી શિક્ષકનું.

    શિક્ષકની ગરિમામાં વધારો થાય એવા તમારા વિચારો તથા પ્રવૃતિઓ તમામ શિક્ષકો માટે સીમાંચિહ્નરૂપ છે. અભિનંદન!!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ