અસરદાર સરદાર

 અસરદાર 'સરદાર'   

ભારતના છુટાછવાયા રજવાડાને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ 31 મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1600 થી વધુ ભાષાઓ બોલતા ભારત દેશમાં હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને પારસી સમુદાય વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ પોશાકો અને રીત રિવાજોમાં પણ આજે એક થઈને જીવી રહ્યો છે તેના પાયામાં સરદાર પટેલનો મોટો ફાળો રહેલો છે.

31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં જન્મેલ સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ તાલુકાના કરમસદના વતની હતા. પિતા ઝવેરભાઇ તથા માતા લાલભાઈના સંસ્કારો લઈને ઉછર્યા હતા. 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં જોડાયા. પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું, પેટલાદની શાળામાં અંગ્રેજી પાંચમું ધોરણ પાસ કરી નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. સ્થાનિક મિત્રો અને વકીલો પાસેથી ઉછીના પુસ્તકો લઈ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલમાં અલગ જ પ્રકારની ખુમારી, ઉત્સાહ અને આનંદ હતો. સૌપ્રથમ ગોધરામાં વકીલાત શરૂ કરી. વકીલાતના વ્યવસાય બાદ દસ હજાર રૂપિયા જેટલી બચત થતાં વલ્લભભાઈ બેરિસ્ટર બનવા માટે બ્રિટન જવાનું નક્કી કર્યું પણ ગયા વિઠ્ઠલભાઈ. 1908માં વિઠ્ઠલભાઈ પરત આવતાં 1910માં વલ્લભભાઈ પટેલ પણ બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ જઈ 1915માં પરત ફર્યા. ગાંધીજી સાથે મેળાપ થયા બાદ તેમની કામ કરવાની ધગશના પરિણામે ગુજરાત સભાની જવાબદારી પણ સોંપી હતી. ખેડા સત્યાગ્રહ બાદ ગાંધીજી અને વલ્લભભાઈ વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ સ્થપાયો ત્યારબાદ 1921માં વલ્લભભાઈએ વકીલાતના વ્યવસાય ની તિલાંજલિ આપી દીધી. 

જેના રાજ્યમાં કદી સૂર્ય આથમતો જ નથી એવી બ્રિટિશ સરકાર સામે જીવનની અડધી સદી સુધી ઝઝૂમનાર અને સંઘર્ષોની સામે સતત લડતા રહી દેશને આઝાદી અપાવનાર સેનાની તરીકે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ આજે પણ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારતના પુરસ્કર્તા, અપ્રતિમ લોહપુરુષ, વ્યવહારદક્ષ ધારાશાસ્ત્રી, ગુજરાતની ગરિમા અને રાજકીય મુત્સદ્દી તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના મજબૂત ઈરાદા, કામ પ્રત્યેની દ્રઢતા સંકલ્પશીલતા અને પોતાના અનુભવની એરણ પર આઝાદીના આંદોલનને આકાર આપવાની કળામાં મોખરે રહેનાર સરદાર વલ્લભભાઈ પટેલે સત્ય અને અહિંસાના સિદ્ધાંતને વરેલા મહાત્મા ગાંધીની સાથે રહી સત્યાગ્રહના અડીખમ યોદ્ધા તરીકે વિજય પ્રાપ્ત કરી 'સરદાર' નું બિરુદ મેળવ્યું હતું. વર્ષો સુધી ગુલામી ભોગવી લોકો આઝાદ થાય તો તેમને એક કરી, મજબૂત કરી વિકાસ, સમૃદ્ધિ અને શાંતિ તરફ લઇ જવાનું એટલું જ જરૂરી હતું. આપણા દેશના યુવાનોને એકતાનો મંત્ર આપી દેશદાઝ ઊભી કરવાનું પ્રથમ પગલું એટલકે રન ફોર યુનિટી. રાષ્ટ્રીય એકતા દિવસને 'રન ફોર યુનિટીતરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસે સરદાર સાહેબના કાર્યોને યાદ કરી મેરેથોન દોડનું પણ ભારતભરમાં આયોજન કરવામાં આવેછે. રાષ્ટ્રીય એકતા, પ્રેમ, શાંતિ અને બંધુત્વની ભાવનાને આગળ વધારે છે. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે, "જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ જોવા ન પામત." આ લોખંડી પુરુષના લોખંડી અને મજબૂત ઇરાદાને કારણે આજે સોમનાથ મંદિર ઊભું છે. તેઓ કહેતા કે," સોમનાથનું પુનઃનિર્માણ એ આપણું પરમ કર્તવ્ય છે."

પોતાના સિદ્ધાંતો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ જાહેર જીવનમાં પણ નીતિમત્તા અને પ્રામાણિકતા જેવા મૂલ્યો સાથે સતત પ્રવૃત્ત રહ્યા છે. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહપ્રધાન તરીકેની જવાબદારી સંભાળનાર એવા સરદારે દેશના અકલ્પનીય અને ગૂંચવાયેલા પ્રશ્નોને પણ પોતાની ઊંડી સમજ અને બુદ્ધિમત્તાથી કુનેહપૂર્વક ઉકેલ્યા છે અને ત્યારે જ તો 562 રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ બાદ ભારત એક અખંડ રાષ્ટ્ર બની શક્યું છે. અખંડ ભારત માટે એમણે કરેલા પ્રયત્નોને લીધે જ તેમણે વિરાટ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેના દર્શન આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં થાય છે. 182 મીટરનું વિશ્વનો સૌથી વિરાટ સ્મારક વિરાટ વ્યક્તિત્વ, દેશાભિમાનના બુલંદ મિજાજ અને આદર્શ જીવનની સદીઓ સુધી વિશ્વની પ્રેરણા આપતું રહેશે. આપણા સૌ ભારતવાસીઓ માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રેરણાતીર્થ છે. ભારતની એકતા અને અખંડિતતા, સંસ્કૃતિનું સંવર્ધન, શાંતિ, સદભાવ અને વિકાસના ગુજરાતના વિરાટ સામર્થ્યની અનુભૂતિ કરાવે છે. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબે 15 ડિસેમ્બર 1950ના રોજ માતૃભૂમિનું ઋણ અદા કરી આપણી વચ્ચેથી વિદાય લીધી. સરદારની અસરદાર તેજસ્વી આંખો સોમનાથ દાદાના દર્શન કરતી રહે અને આપણને તેમના તરફથી સતત પ્રેરણા મળતી રહે તે હેતુથી સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારની સામે સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સ્વરાજ્ય પ્રાપ્તિથી સુરાજ્યની દિશામાં ભારતને આગળ ધપાવી અખંડ ભારતનું નિર્માણ કરનાર વિરાટ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબને શત શત વંદન.


Comments

  1. લોખંડી નિર્ધાર અને રાષ્ટ્રની સમરસતાના આધાર એવા સરદાર વલ્લભભાઈ પટેલજી ની જન્મ જયંતી નિમિત્તે શત્ શત્ નમન...

    ReplyDelete
  2. ખરેખર હિંદના સરદારને આપે નવાજ્યા શબ્દોથી ખૂબ સરસ પ્રયાસ અને સુંદર સંભારણા

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ