‘મૂછાળી મા’ -- બાલવાર્તા દિન
બાળ કેળવણીના ભીષ્મપિતામહ એવા ગિજુભાઈ બધેકાના જન્મદિવસ (15 નવેમ્બર)ને 'બાલવાર્તા દિન' તરીકે ઉજવવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું તેની ખૂબ જ ખુશી છે. કારણકે, સાહિત્યમાં અને વિશેષ કરીને બાળ સાહિત્યક્ષેત્રે ગિજુભાઈનું અમૂલ્ય યોગદાન છે. શિક્ષણમાં મોન્ટેસરી પદ્ધતિના તેઓ હિમાયતી હતા. બાળકોના જીવન વિકાસ માટે શિક્ષણ પદ્ધતિને એક નવા આયામ તરીકે પસંદ કરી, કેળવણીમાં નવા આદર્શ સાથે શિક્ષણ અને સમાજને પ્રકાશિત કરનાર ‘મૂછાળી મા’ તરીકે પ્રસિદ્ધ એવા ગિજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1885ના રોજ અમરેલી જિલ્લાના ચિત્તલમાં થયો હતો. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે, શિક્ષક જ બાળકોનો માર્ગદર્શક બની શકે છે. શિક્ષણ જગતને દિવાસ્વપ્ન, બાલસાહિત્ય વાટિકા, મા બાપ થવું આકરું છે તથા વાર્તાનું શાસ્ત્ર જેવા પુસ્તકો આપી બાલમંદિરના શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો. મેડમ મોન્ટેસરીના દર્શનથી પ્રભાવિત ગિજુભાઈએ ઇન્દ્રિયોની કેળવણી ઉપર જ ભાર આપી બાળકો વાર્તા, ગીત, રમત, સુશોભન, ચિત્રકામ અને નાટકો જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય વધારી શકે તેવા પ્રયાસો કરવા માબાપ અને શિક્ષકોને સમજાવ્યું. મોન્ટેસરી પદ્ધતિ એ કેવળ શિક્ષણ પદ્ધતિ નથી પણ એક નવીન પ્રકાશ છે તેમ તેઓ સ્પષ્ટપણે માનતા હતા. સફાઈ અને શિસ્તના આગ્રહી ગિજુભાઈ નિસર્ગપ્રેમી પણ હતા.
બાળ સાહિત્યનો મૂળ હેતુ તો બાળકોને આનંદ આપવાનો જ હોય છે. જેમથી સંસ્કારાત્મક મનોરંજન મળતું હોય છે. ‘બાલ સાહિત્યના બ્રહ્મા’ એવા ગિજુભાઈએ શિક્ષણ અંગેના નૂતન પ્રયોગો અને અધ્યાપન શૈલી દ્વારા માતૃભાષાનું શિક્ષણ મળે તો બાળક સરળતાથી દરેક વાતો શીખી શકે છે એ વાત ઉપર ભાર મૂક્યો. પોતાના શિક્ષણ દર્શન ધ્વારા શિક્ષિત તથા ઓછું ભણેલા મા-બાપને પણ ઉતાવળા થયા વગર પોતાના બાળકોના હિતનો વિચાર કરી કાર્ય કરવા સમજાવ્યું હતું. મા-બાપ જો બાળકોના શિક્ષણમાં રસ લેતા થાય તો બાળક ચોક્કસ એના કૌશલ્યનો વિકાસ કરી શકે છે. દરરોજ બાળક માટે થોડો સમય આપવો, વાર્તા કહેવી, તેની સાથે રમતો રમવી, તેની પ્રવૃત્તિઓમાં રસ લેવો - આ બધું થશે તો બાળકમાં સાહસ, હિંમત, સફળતા, સમયસૂચકતા જેવા ગુણોનો ચોક્કસ વિકાસ થશે એમ તેઓ માનતા. બાળકોની જૂઠું બોલવાની આદતને ગંભીરતાપૂર્વક લઈ તેને ભયમાંથી મુક્ત રાખી તે સાચું બોલે તે માટે પ્રયત્ન કરવા ભારપૂર્વક સમજાવ્યું હતું. આમ, ગિજુભાઈ બાળકોના વકીલ અને ન્યાયાધીશ પણ બન્યા. ગિજુભાઈ કહે છે કે, "જેઓ ચોપડી વાંચીને જ જ્ઞાન લેવાની મુરાદ રાખે છે તેઓ મહેતાજી થશે, જે બાળકને વાંચી જ્ઞાન મેળવશે તેવો કેળવણી શાસ્ત્રી થશે." બાળશિક્ષણનું કામ એ જનમોજનમના અનુભવનું કામ હોય તે રીતે તેઓ જીવનભર પ્રવૃત્ત રહ્યા.
1920માં બાલમંદિરની શરૂઆત કરનાર એવા બાળશિક્ષણના દ્રષ્ટા અને મહાન કેળવણીકાર ગિજુભાઈની બાલશિક્ષણ વિશેની મૂળભૂત વિભાવના તો બાળકો પર જ કેન્દ્રિત રહેલી છે. પોતાની મેળે કશું કરવાની - જાતે શીખવાની બાળકોમાં જે તમન્ના રહેલી છે તે માટે જરૂરી અનુકૂળતા તેને ઘરમાં જ કરી આપવી જોઈએ. બાળકને જો ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ કરી આપવામાં આવે તો બાળકનો વિકાસ આપોઆપ જ શક્ય બની જાય છે. અહી વ્યક્તિત્વ સ્વીકારના વિચારને જ કેન્દ્રમાં રાખેલો હોય તેવું જોવા મળે છે.
સમગ્ર જીવન બાલશિક્ષણને સફળ બનાવવાના ધ્યેયને સમર્પિત ગિજુભાઈને જુગતરામ દવેએ તો ‘બાળકોના ગાંધી’ તરીકે સંબોધી એમની ‘ટાઢું ટબૂકલું’ વાર્તા આજે પણ મનમાં રમે છે. નૂતન બાલશિક્ષણ સંઘના સ્થાપક એવા ગિજુભાઈએ આપની વચ્ચેથી 23 જૂન 1939 ના રોજ વિદાય લીધી. ગિજુભાઈનો બાળકો પ્રત્યે એટલો પ્રેમ હતો કે, જો બાળકોને આપણે સમજી શકીશું તો ચોક્કસ એમના પ્રેમને પણ સમજી શકીશું.
તેમના જન્મદિવસને 'બાલવાર્તા દિન' તરીકે જાહેર થયો છે ત્યારે આવો બાળકોને ખરેખર જેની ભૂખ હોય છે એવી બાળવાર્તાઑ કહી- સંભળાવી ખુશ કરીએ ને વિચાર કરતાં કરીએ. તેમને કલ્પનાના આકાશે ઊડવાની- વિહરવાની તક પૂરી પાડીએ. વાર્તાઓ કહીએ અને સાંભળીએ પણ ખરા.... નાના બાળકો જુઓ ને તરત એક વાર્તા યાદ આવે ને કહેવાનું મન થઈ જાય તો સમજી લેવું કે આપણામાં ગિજુભાઈ હજી જીવતા જ છે. તેમની વાર્તાઓ બાળકોને સંભળાવી તેમને સાચા અર્થની શબ્દાંજલિ આપીએ.
‘બાલદેવો ભવ’ ના મંત્ર સાથે 'મૂછાળી મા' ને વંદન કરીએ.
ભાઇશ્રી
ReplyDeleteઆજ ના આ પ્રસંગને અનુરૂપ આ લેખ ખૂબ જ ગમયો ગીજુભાઈ વિશે ની ઘણી વાતો જાણવા મળી આ લેખ હું મારા શિક્ષકો સુધી પહોચાડીશ અને આપણા બાળકો ને એક સાચા શિક્ષકો બનવાની પ્રેરણા મળશે અને એક સાચા અર્થમાં એઓ પથદર્શક બનશે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ
સાચો હેતુ બર આવશે. આભાર..
Delete