"વિશ્વનું એકમાત્ર એટ્લે માં..."
"વિશ્વનું એકમાત્ર એટ્લે માં..."
વિશ્વનો સૌથી નાનો શબ્દ અને સૌથી લાંબી
લાગણીનું નામ એટલે માં. એક નાનું બાળક કહે કે, “મેં કદી ભગવાનને જોયા
નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી ‘માં’ જેવા જ હશે.” મિત્રો, આજે આપણે ‘માં’ ધ્વારા થતા વ્યક્તિના ઉછેર અને ઘડતરની વાત કરવી
છે. વેદમંત્રોમાં માતા-પિતા, ગુરૂ અને અતિથિને દેવ ગણવામાં
આવ્યા છે. શાસ્ત્રો એવું કહે કે, કોઈપણ પૂજા પછી માતા-પિતાને
નમસ્કાર કરતી વખતે સૌથી પહેલાં નમસ્કાર માને કરવાના હોય છે. વાત્સલ્યની મૂર્તિ
એટલે માં. આ સંસારમાં કોઈપણ સંબંધોમાં અતૂટ બંધન માં સાથેનું છે. કષ્ટ વેઠી, નવ માસ પોતાના ઉદરમાં રાખતી જન્મદાત્રી માં પોતે ભીનામાં સૂઈ બાળકને સૂકામાં
સુવડાવે છે.
બાળકના જીવનના દરેક સમયે ધ્યાન રાખવાનું
અને તેની સેવા કરવાનું મા ક્યારેય ચૂક્તી નથી. બાળક મોટું ને સમજણું થાય તો પણ
પોતાનાથી અલગ કરતાં તેનો જીવ સહેજ પણ ચાલતો નથી. માં બગીચે ફરવા જાય, મંદિરે દર્શન કરવા જાય, પિયરમાં જાય કે બજારમાં ખરીદી કરવા જાય, હંમેશા
પોતાના બાળકને સાથે લઇને ચાલે છે. કુટુંબમાં માતાનું અગ્ર સ્થાન
છે તેમ બાળઉછેરમાં પણ માતાનું સ્થાન અજોડ છે. માં ભગવાનનું સ્વરૂપ છે અને તેથી ઘરેથી
કોઈપણ સ્થળે જતાં પહેલા માના આશીર્વાદ લઈને નીકળીએ તો દુનિયાની કોઈ તાકાત આપણને
હરાવી નહીં શકે. આંખો બંધ કરીને પણ વિશ્વાસ કરી શકાય એવું જીવંત પાત્ર એટ્લે ‘માં’
‘માં’ આપણું પાલન-પોષણ કરવાની સાથે સાથે જીવનમાં માર્ગદર્શક અને શિક્ષકની
ભૂમિકા નિભાવે છે. આપણા આદર્શ જીવનના નિર્માણમાં આપણી માએ આપેલી શિક્ષા ખૂબ જ
મહત્વ ધરાવે છે. જીવનમાં સદાચાર અને સત્યના માર્ગે ચાલવા જેવી મહત્વપૂર્ણ શિક્ષા પણ
માં જ આપે છે. કોઈ મા ક્યારેય એવું ન ઇચ્છે કે, તેનો દીકરો
ખોટા કામમાં સંડોવાય. આપણા જીવનની શરુઆતના દિવસોમાંમાં જે શિક્ષણ આપે તે આજીવન કામ
લાગતું હોય છે. આદર્શ જીવન નિર્માણમાં માંનું ખૂબ મોટુ યોગદાન છે. એટલે માં જ
પ્રથમ શિક્ષક છે. આ દુનિયામાં સૌથી સારી શિક્ષક માં છે. એણે જન્મ આપવાની સાથે
જીવનના દરેક તબક્કે કંઈ ને કંઈ શીખવ્યું છે.
આપણે તો એનો આજીવન આભાર માનીએ એટલો ઓછો.
નાના હોઈએ ત્યારે આંગળી પકડીને ચાલતાં શીખવે, થોડા મોટા થઈએ ત્યારે બ્રશ
કરતાં, કપડાં પહેરતાં અને પ્રારંભિક શિક્ષણ પણ માં જ આપે છે.
આપણે કોઈ કાર્યમાં નિષ્ફળ થઈએ ત્યારે આપણામાં વિશ્વાસ જગાડે,
સમસ્યા હોય ત્યારે શક્ય પ્રયાસ કરી સમસ્યાઓમાંથી બહાર લાવવાનું શીખવી વિશ્વાસ પૂરો
પાડનાર માં જ છે. માં ભલે વધુ ભણેલી હોય કે ન હોય પણ પોતાના જીવનના અનુભવો પરથી
પ્રાપ્ત થયેલું તેનું જ્ઞાન કોઈ ડૉક્ટર કે એન્જિનિયરથી ઓછું નથી હોતું. આપણે ગમે એટલા
મોટા હોઈશું પણ જીવનના અનુભવમાં હંમેશા તેનાથી નાના જ રહીશું.
જીવન જીવવાની રીત અને સફળતાનો આધારસ્તંભ
એટલે માં. આપણે જીવનમાં કોઈપણ સ્થિતિએ હોઈએ પણ મા પાસેથી શીખેલી વાત આપણને ખૂબ
ઉપયોગી થતી હોય છે. માને એક દીકરો હોય કે પાંચ દીકરા એને
માટે બધા એકસરખા હોય છે. એ કયારેય ભેદભાવ કરતી નથી અને એટલે જ બોટાદકરે ગાયું છે
કે, “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ..” પ્રેમ આપીને આપણું ઘડતર કરતી માં સતત આપણી કાળજી રાખતી હોય છે. આપણા ઉછેર અને
સંસ્કારોની પાછળ સૌથી કોઈનો મોટો ફાળો હોય તો એ ‘માં’ નો છે. એટલે જ કહેવાયું છે ને કે, ‘ઘોડે ચડનાર બાપ મરજો, પણ
દળણા દળનાર માં ના મરજો..’ મા વિનાના જીવનની કોઈ કિંમત નથી. કષ્ટો
વેઠીને બાળકનું જીવન ઘડતર કરનારી માં ક્યારેય પોતાના બાળક પાસે અપેક્ષા નથી રાખતી.
બાળક સુખી થાય, ખૂબ આગળ વધે તેના માટે માં સતત ચિંતા કરતી હોય છે. એટલે જ
પ્રેમાનંદે ગાયું છે, “ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.” આપણાં માટે આજીવન દુ:ખો વેઠતી માં ને ઘડપણમાં
જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે ત્યારે તેનું
હૈયું કેવી વેદના કરતું હશે ? આપણે કોઈપણ ઊંચા હોદ્દા ઉપર
હોઈએ કે કરોડો અબજોની પૂંજીના માલિક હોઈએ પણ માનું ઋણ ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી.
વાત્સલ્ય મૂર્તિ માં નો જગતમાં ક્યાંય જોટો જડે તેમ નથી અને તેથી બાળકને જન્મ
આપનાર અને એનું લાલનપાલન પણ કરી જીવનનું યોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો
બદલો આપણે સાત જન્મમાં પણ ઉતારી શકીએ છીએ તેમ નથી. ખરેખર, जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।' જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.’
મિત્રો, ‘માં’ શબ્દ જ લાગણીથી ભરેલો છે. માં બોલતાની સાથે જ મોં ખૂલી જાય. જગતની બધી
ખુશીઓ આપણામાં સમાવિષ્ટ થઈ જાય. પેટે પાટા બાંધીને સંતાનનું જતન કરનાર માતા પોતાના
સંતાનોની ભૂલ જાણતી હોવા છતાં હંમેશા આશીર્વાદ વરસાવવાની સાથે તેને સુધારવાનો
પ્રયાસ કરતી હોય છે. તેથી જ કહેવાય છે કે, “છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય.” ઈશ્વરે જ્યારે પ્રેમનું સર્જન કર્યું
હશે ત્યારે સૌપ્રથમ ‘માં’ બનાવવાનું વિચાર્યું હશે.
માતાનું સર્જન કરી ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા હશે એમ કહીએ તો જરાય ખોટું નથી. જગતનો
આધાર માતાની આંગળી છે. આ અભય આંગળી પકડીને ચાલીએ તો જીવનમાં હંમેશા નિર્ભયતા આવે. માતા
પોતાના દેવના દીધેલ સંતાન માટે નિ:સ્વાર્થ ભાવનાથી પ્રેમ કરતી હોય છે. તેથી જ માને
માટે આ કહેવત યાદ આવી જાય.
“માં તે માં, બીજા વન વગડાના વા” મા કેવળ જન્મદાતા નથી પણ સંસ્કારોનું સિંચન કરનાર સાચા અર્થની શિક્ષક છે. દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય રહ્યો છે. નેપોલિયન જેવાને પણ કહેવું પડ્યું કે, “એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.” વનરાજને ગુણસુંદરીએ, હનુમાનજીને અંજની માતાએ અને ગાંધીબાપુને પૂતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપી તેમનું જીવન ઉન્નત બનાવ્યું છે. માના વિચારો અને હૂંફથી જેમનું જીવન ઘડતર અને તે ધ્વારા સમાજ તથા રાષ્ટ્ર ઘડતર થયું છે તેવી શક્તિને વંદન... .
Comments
Post a Comment