"આઝાદીનો અમૃત મહોત્સવ : અનોખો જન - ઉત્સવ"

"આઝાદીના અમૃત મહોત્સવ : અનોખો જન - ઉત્સવ"

આજે આપણી આજબાજુ સમાચારપત્રો, સોશિયલ મીડિયા અને દરેક કાર્યક્રમોમાં "આઝાદીના અમૃત મહોત્સવ"ની વાતો સાંભળવા અને વાંચવા મળે છે. શું આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે, આટલા જોરશોરથી અને અગ્રિમતા સાથે વાતો સમાજમાં કેમ વ્યાપ્ત કરવામાં આવી રહી છે ? તેનો જવાબ આપણી જ પાસે છે.  આવનાર સમયમાં મજબૂતાઈથી ઊભા રહી નવી પેઢીને કંઈક એવું આપવા જઈ રહ્યા છીએ જે તેમના માટે પણ એટલું જ અગત્યનું છે. દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો તેના ફળ અત્યારે ચાખી રહ્યા છીએ. અગત્યનું તો એ છે કે, ગુલામીકાળમાં આપણે નહોતા તેથી આપણે તે સમયમાં આપણા ભારત દેશ માટે યોગદાન નથી આપી શક્યા. હા, આપણી અગાઉની પેઢીઓએ આઝાદી વખતે વિશેષ યોગદાન આપ્યું છે તેમાં ના નહિ, પણ જેના કારણે આજે આપણે સ્વતંત્રતાનો ઉત્સવ મનાવી રહ્યા છીએ એવા આપણા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભકતોના જીવનની ગાથાઓ, ગૌરવશાળી ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ સમાજમાં લઈ જઈશું તો સાચા અર્થમાં આપણે દેશ માટે યોગદાન આપ્યું ગણાશે. 

બ્રિટિશ સત્તા પાસેથી આપણને આઝાદી મળતાં 15 ઓગષ્ટ 1947 ના રોજ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સત્તા પ્રાપ્ત થઈ. સત્ય અને અહિંસાના વિચારો સાથે આપણને આઝાદી મળતાં સમગ્ર દેશમાં આનંદ વ્યાપી ગયો હતો. ઠેર ઠેર સરઘસો, ઝૂલૂસ અને રોશનીનો માહોલ હતો. આધુનિક વિચારધારા સાથે શરૂ થયેલા આઝાદીના આંદોલન ઉપરાંત, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ ચળવળ, દાંડીકૂચ અને ભારત છોડો જેવી કેટલીય ચળવાળોની સફળતાના પરિણામ સ્વરૂપ અંગ્રેજોએ ભારત છોડયું. બાપુએ આઝાદીના અગાઉ દિવસે 14 ઓગષ્ટે કહ્યું હતું કે, "આવતીકાલે ભારત આઝાદ થશે પણ દેશના ભાગલા પડશે. મારે મન આઝાદી કરતાં વધારે કિંમતી વસ્તુ કોમી એક્તા છે." ત્યારપછી સર્વધર્મ સમભાવ અને કોમી એખલાસની ભાવના ધીમે ધીમે સમાજમાં વ્યાપ્ત થવા લાગી. ગાંધીજીના Simple Living & High Thinking ના ઉત્તમ વિચાર સાથે "વિવિધતામાં એક્તા"નો મંત્ર સમાજમાં પ્રસ્થાપિત થઈ ગયો છે. 

ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય ટિળક, શહીદ ભગતસિંહ, જ્વાહરલાલ નહેરુ, અબ્દુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, શ્યામજીકૃષ્ણ વર્મા, વીર સાવરકર, મેડમ ભિખાઈજી કામા અને નામી - અનામી કેટલાય દેશભકતોએ દેશ માટે આઝાદીની લડતમાં પોતાનું બલિદાન આપી દેશને આઝાદ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આપણે તો આવું કોઈ બલિદાન આપવાનું નથી પણ, દેશ માટે ગૌરવ સાથે તેનું માન - સન્માન જાળવવા કમર કસીએ. યુવા પેઢીમાં દેશના સન્માન-ગૌરવનો વિચાર – સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત મળી રહે તે માટે પ્રયત્નશીલ રહીએ. આપણને આઝાદી મળ્યાના આનંદ સાથે આપણને ‘ભારતીય’ હોવાનું ગૌરવ છે અને તેથી જ જાગૃતતા ને સ્વાભિમાન સાથે સંકલ્પ કરીએ કે, સૌ સાથે મળી આઝાદીના અમૃત મહોત્સવનો આનંદ મનાવીએ. દેશ માટે જે શહીદોએ બલિદાન આપ્યા છે તેમના કાર્યોને વાગોળીએ ને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. ભારત દેશ વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિના સોપાન સર કરી રહ્યો છે ત્યારે આવો, સૌ સાથે મળી રાષ્ટ્રભક્તિના અમૃત અવસરને ઉજવીએ, મા ભારતીનું ઋણ અદા કરીએ. 

ગાંધીજીના હ્રદયમંદિર સાબરમતી આશ્રમથી 12 માર્ચ 2021 (દાંડીકૂચ દિવસ) થી પ્રારંભ થયેલ "આઝાદી કા અમૃત મહોત્સવ" યાત્રા જન –ભાગીદારીથી 15 ઓગષ્ટ 2023 સુધી ઉજવણી કરવાનું આયોજન ગુજરાત સરકાર ધ્વારા કરવામાં આવ્યું છે. તે અંતર્ગત વૃક્ષારોપણ અને રક્તદાન ઉપરાંત, રાષ્ટ્રગાન, પોસ્ટર મેકિંગ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધા, ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, એક ભારત શ્રેષ્ઠ ભારત, ગ્રીન વિલેજ ક્લીન વિલેજ જેવા કેટલાય કાર્યક્રમમાં બાળકો અને યુવાનોને જોડી ભારતની ગરિમા વિશે જાગૃતતા લાવવાની આપણી જ્વાબદારીને નિભાવીએ. આઝાદીના 75 વર્ષની ઉજવણીના પર્વ પ્રસંગે "હર ઘર તિરંગા" ઉત્સવને ઘર-ઘર સુધી પહોંચાડી, અનોખા જન ઉત્સવના સહભાગી બની સૌ આત્મનિર્ભર બનવાનો દ્રઢ સંકલ્પ કરીએ. દેશને ગૌરવ અપાવીએ. 

અંતમાં, ભારતમાતાને વંદન...

Comments

  1. સાવરકર? બલિદાન? કુછ બાત હજમ નહીં હુઈ...

    ReplyDelete
    Replies
    1. અહીં 'બલિદાન' શબ્દ બહોળા અર્થમાં વાપર્યો છે..

      Delete

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ