વાર્તાની અનોખી વાત ...
વાર્તાની અનોખી વાત ...
આપણે સૌ જ્ઞાત છીએ કે, સરકાર ધ્વારા ગયા વર્ષે ગિજુભાઈ બધેકાના જન્મદિવસને અલગ રીતે ઉજવવામાં આવેલ છે. એટલું જ નહિ, ગિજુભાઈને સાચા અર્થનું સન્માન આપી આખા વર્ષને "બાલવાર્તા વર્ષ" તરીકે ઉજ્વવાનું જાહેર થયું ને એ પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે તેનો આનંદ છે. સૌ વાલીઓ અને બાળકો માટે ચિંતિત એવા ગિજુભાઈ માટે જેટલું બોલીએ કે લખીએ તે ઓછું જ પડે. શિક્ષણના નવા નવા આયામો દ્વારા ચીલાચાલુ પદ્ધતિના શિક્ષણને બદલે બાળકોને પ્રેમ, સમજાવટ, હળવાશ, સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે ભણાવવાની વાતનો પાયો નાખનાર ગિજુભાઈને આજે પણ યાદ કરવા પડે. અવનવી ઉત્તમ તારાઓ સાથે બાળકોને તૈયાર કરવાની પોતાના પ્રયોગોને સીમિત ન રાખતા આપણા સુધી તે પ્રયોગો પહોંચતા આજે શિક્ષણ 'સોટી વાગે ચમ ચમ...'ને બદલે પ્રવૃત્તિઓ આધારિત અને સ્નેહાળ વાતાવરણમાં ચાલી રહ્યું છે. ગિજુભાઈ બધેકાએ શિક્ષક અને શિક્ષણની તથા શાળા અને સાહિત્યની જે વિભાવના સમાજમાં પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો હતો તેને આજે આપણે નિષ્ઠા સાથે પૂરતા સાધનો અને યોગ્ય સંચાલન સાથે આગળ વધવું જ રહ્યું.
આદર્શ શિક્ષણમાંથી નિર્માણ થતો આદર્શ માનવી તૈયાર કરવાની આપણી જવાબદારીને આપણી સમજવી પડશે. આપણા ઋષિઓએ જે પરંપરા ઊભી કરી અને નિસર્ગમાં હજારો કિશોરો અને યુવાનોને તૈયાર કરવાનું કામ કર્યું એવું કામ તો આજે આપણી પાસે નથી, છતાં જ્ઞાનની આ સદીમાં આપણી શ્રેષ્ઠ કિશોરો અને યુવાનો તૈયાર થાય એને માટે પ્રયાસ કરવો જ પડે. આપણને વાર્તાનું શાસ્ત્ર આપી આવનાર પેઢીને આપણે વાર્તા સફર કેવી રીતે કરી શકીએ અને તે દ્વારા મૂલ્યોનું આરોપણ કરવાની એક પદ્ધતિ પણ વાર્તા શાસ્ત્ર દ્વારા તેમણે આપી છે. બાળકોને કલ્પના દ્વારા સતેજ કરવા અને સૌંદર્ય પારખવાની સાચી શક્તિ આપવા તથા લાગણીને સૂક્ષ્મ અને ઊંડી બનાવવા માટે વાર્તા એ ઉત્તમ માધ્યમ છે. લોક હૃદયમાંથી પ્રગટેલી કલ્પિત વાર્તાઓ પણ બાળકના જીવનમાં ગુણોની વાસ્તવિકતાને પ્રગટ કરતી હોય છે. વિવેક, મર્યાદા ચૂકાય નહિ તે રીતે વાર્તા કહેવાય તે ખૂબ જ જરૂરી છે.
બાળકનું હૃદય હંમેશા સ્વાભાવિક હોવાથી તે વાર્તાની સ્વાભાવિકતામાં ભેદ જોઈ શકે છે અને તેથી જ વાર્તાઓનો બાળવિકાસમાં અને ચારિત્રમાં ખૂબ મોટો ફાળો રહેલો છે એમ સ્પષ્ટપણે ગિજુભાઈ માનતા હતા. બોલતા પક્ષીઓ, ગાતા ઝરણા જેવી વાર્તાઓ બાળકોને ખૂબ ગમતી હોય છે અને તેથી જ નીતિ અને તેનું શિક્ષણ આપતી તથા બાળકોને મજા પડે તેવી વાર્તાઓ કહેવાની છે. આપણે તો માત્ર વાર્તા કહેવાનું જ કામ કરવાનું છે અને બાળકને નિરખવાણી તક પૂરી પાડવાની છે. વાર્તાકથનનો મૂળ ઉદ્દેશ જો બાળકોને આનંદ જ આપવાનો હોય તો વાર્તા સાંભળ્યા પછી બાળકોના ચહેરા પર આનંદ લાવવાની જ્વાબદારી ક્યારે નિભાવીશું ?
(સાભાર : વાર્તા શાસ્ત્ર - ગિજુભાઈ બધેકા)
Comments
Post a Comment