સ્ત્રી સશક્તિકરણ : સન્માન અને સ્વીકાર

 સ્ત્રી સશક્તિકરણ : સન્માન અને સ્વીકાર 

પ્રાચીન વેદકાળથી લઈને અર્વાચીનકાળ સુધી સમાજમાં સ્ત્રીનું અનોખું સ્થાન રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ નારીને જગદંબાનો અવતાર માનવામાં આવે છે.  8 માર્ચ આવે એટ્લે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સન્માનની વાતો બધાના મગજમાં ફૂટી નીકળતી હોય છે. ખરેખર તો ઘર અને પરિવારની મહત્વની જવાબદારી સંભાળતી સ્ત્રીને કાયમી અને યોગ્ય સન્માન મળતું રહેવું જોઈએ. કોઈએ સાચું જ કહ્યું છે કે, “નારી તું નારાયણી છે જગમાં, તું કલ્યાણી છે, શક્તિનું રૂપ છે વિરાટ, તારી સહનશીલતા અપાર છે, તું હર જન્મે પૂજ્ય છે વર્ષોથી, તું વંદનીય છે, તું દેવી છે, તું કરુણા છે, હર યુગે તુ સન્માન માટે હકદાર છે.” મનુ મહારાજે પણ કહ્યું છે કે, “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા..“

દેશ, સમાજ અને પરિવારના ઉજજવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલા સશક્તિકરણનો અર્થ એ છે કે,  સ્ત્રીને પુરુષની જેમ જ હક અને સન્માન મળવું જોઈએ. નારીના સન્માન માટે, તેમના અધિકારો માટે અને તેમના પોતાના આત્મગૌરવ માટે નારી સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓને એમના હક અને મૂલ્યો માટે સક્ષમ બનાવવા યોગ્ય શિક્ષણ આપવાની સાથે સાથે દહેજપ્રથા, નિરક્ષરતા, અસમાનતા, ભ્રૂણહત્યા, ઘરેલુ હિંસા, બળાત્કાર જેવા દૂષણોથી બચાવવી પડશે. સ્ત્રીને તેનો અભિપ્રાય વ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા હોવી એટલી જ જરૂરી છે. સમાજમાં સ્ત્રી-પુરુષને એકસમાન દરજજો મળવો જોઈએ. સમાજમાં પોતાનું, પરિવારનું અને દેશનું નામ રોશન કરે એ માટે નારી સશક્તિકરણ આવશ્યક છે.

આપણે ઘણીવાર એવા વાક્યો ઉચ્ચારીએ છીએ કે, "તું છોકરી છે,  તારાથી આ ના થાય, ભણી-ગણીને શું કામ લાગવાનું? અંતે તો સાસરે જઈ રસોડું જ સંભાળવાનું છે ને." દીકરી નાની હોય ત્યારથી જ કુટુંબ, સમાજ તેને સ્ત્રી હોવાનો અહેસાસ કરાવતા હોય છે. સમાજે આ વિચારધારામાંથી બહાર આવવું પડશે ને સ્ત્રીઓને એમના અધિકારોની જાણકારી આપવી જોઈએ અને તો જ નારી શક્તિ પોતાના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવી શકશે.  ભારત દેશની પ્રગતિ  કરવી હોય તો  મહિલાઓ  ઉપેક્ષિત અને  શોષિત ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે. 

આવો,  ઘરની દીકરી, માતા, વહુ,  સાસુ,  નણંદ જેવા સ્થાને બિરાજેલી નારીશક્તિ હવે આભને આંબી રહી છે ત્યારે યોગ્ય સન્માન આપીએ. ઘરમાં લેવાતા નિર્ણયોમાં તેમની વાતો - વિચારને પ્રાધાન્ય આપીએ. એની ઈચ્છાઓને જાણી, સમજી, સ્વીકારી યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ. આ જ નારીનું સાચું સન્માન અને સ્વીકાર છે.  

Comments

  1. મે વાંચેલી અને વિચારેલી વાતો અહીં રજૂ કરી છે. વાચકો પણ વિચારી શકે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગીતા જ્ઞાન, સબસે મહાન

School Innovation Council - State Level Workshop

મારા અનુભવની શાળા - ૨૦૨૬