'મૈત્રી' - "Happy Friendship Day"- 23

 'મૈત્રી' - "Happy Friendship Day"

માણસ પૃથ્વી પર જન્મ લઈને આવે છે ત્યારથી જ કોઈને કોઈ સંબંધથી જોડાતો રહેલો છે. કેટલાક સંબંધો એવા હોય છે કે જે તમે ઈચ્છો નહીં તો પણ જોડાયેલા રહે છે પણ એક સંબંધ એવો છે જે પોતાની સમજણથી જોડી શકાય જેને આપણે પોતે પસંદ કરી શકીએ. જીવનના દરેક પ્રસંગોમાં આપણે કેટલાય લોકોને મળતા હોઈએ છીએ, ઓળખતા હોઈએ છીએ પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જે આપણી સાથે ન ખબર પડતાં જોડાઈ જતી હોય છે. એટલું જ નહીં, ફરીથી એમને મળીએ ત્યારે આપણને અત્યંત ખુશી પણ થતી હોય છે. મિત્રતામાં લેવા કરતાં આપવાનું વધારે હોય છે, જતું પણ કરવું પડતું હોય છે. એકબીજાની કુટેવો જાણતા હોવા છ્તાં નજર અંદાજ કરી ધીમે ધીમે તેને બદલવાની કુશળતા કેળવવી પડે. મિત્રતામાં ઉપયોગિતાભર્યા સંબંધો લાંબા ટકતા નથી. જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણને જે વ્યક્તિની મદદની જરૂર પડે તે વ્યક્તિ મિત્ર જ હોય.

સાચે જ કહેવાયું છે કે,  

'મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય.

હાથ ફેલાવીએ ને હૈયું આપી દે, જેની સામે દુઃખનું નાનું પોટલું ખોલી દઈએ ને કોથળો ભરીને સુખ ઠાલવી દે,  હારી - થાકી જઈએ ત્યારે ખભે હાથ મૂકીને દિલાસો આપે તેવા મિત્રોને અત્યારે શોધવા જાવ તોય ના મળે. અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરે ત્યારે દરેક પરિસ્થિતિમાં આપણને સાચવી લે એ આપણો સાચો મિત્ર. એટલે જ કોઈએ કહ્યું છે ને કે, "નામ વગરનો નાતો, સૌના હૈયે સમાતો." ભાઈબંધ, દોસ્ત, ભેરુ, ગોઠીયો, લંગોટિયા કેટલાય નામથી ઓળખીએ છીએ મિત્રને. 

સાચો મિત્ર તો નાની-નાની વાતમાં રોકટોક કરે, વડીલની જેમ સલાહ આપે, માતાની મમતાનો અહેસાસ કરાવે તથા વર્ણવી ન શકાય તો લાગણીઓનો ઉત્સવ બની જતો હોય છે. મોટા માણસને મિત્ર બનાવવા કરતાં હું જેની સાથે જોડાયો છુ એ જ મોટો બને તેવા પ્રયાસો મિત્રતાને લાંબો વખત ટકાવી શકે. કૃષ્ણ જેવો માર્ગદર્શક (રથ ચલાવી શકે તેવો) - મિત્ર જોઈતો હોય તો સુદામા અને અર્જુનની જેમ તેને સમર્પિત કરતાં પણ આવડવું જ જોઈએ.

એવો સંબંધ કે જ્યાં બધા હક માંગ્યા વગર મળે ને હક જતાવી પણ શકીએ. મિત્રતા આમને આમ બાંધતી નથી. ધર્મ, જાતિ, ઊંચનીચના વાડાથી પર રહી લાગણીઓ સાથે જોડાયેલા રહે તેવા મિત્રો જોઈએ. દુઃખના પ્રસંગોએ હું તારી સાથે છું ને કોઈ કામમાં મુશ્કેલી આવે ત્યારે થઈ જશે એવા સધિયારા સાથે હૂંફ સાચો મિત્ર જ પૂરી પાડી શકે. આપણા જીવનમાં વિશ્વાસપાત્ર અને નિષ્ઠાપૂર્વકનો સંબંધ એટલે મિત્રતા. જીવનમાં સાચો મિત્ર ના મળે તો  જીવન ખાંડ વગરની ચા જેવી જ ગણાય. આવા મિત્ર સાથે ક્યારેક મતભેદ થાય ત્યારે ખમી લે, સહન કરી લે અને પોતાના અહંકારને બાજુએ મૂકી શકે તે જ સાચો મિત્ર. એકબીજાની સંભાળ અને વિશ્વાસથી મિત્રતા મજબૂત થતી હોય છે. અહમ, કડવાશ, અસત્ય અને આત્મસન્માનને કારણે ક્યારેક મિત્રતા તૂટવા સંભવ છે એટલે આ સ્થિતિમાં કાળજી લઈએ.

ખોટા વચનો આપી, ઉપયોગ કરનાર - મિત્રતાને દગો કરનાર પોતે જ દુખી થતો હોય છે. મિત્ર તો બનાવવાના ન હોય, બની જ જાય. મિત્રતા અને ઉમરને કોઈ લેવાદેવા નથી. 75 વર્ષની વ્યક્તિ પણ 5 વર્ષના નિર્દોષ બાળક સાથે દોસ્તી બાંધી શકે. ગમે તેવી સ્થિતિમાં પણ વ્યસ્ત રહેતો દોસ્ત આપણને ભૂલતો નથી. જેવુ હોય તેવું સાચું પરખાવી દે અને પડછાયાની જેમ સુખમાં કે દુખમાં સાથે રહે તો એ દોસ્તીની મજા જ જુદી છે. આપણી પરિસ્થિતી બદલાય છ્તાં ન બદલાય તેવા મિત્રો આપણું સાચું પીઠબળ છે. બધા બદલાશે પણ સાચો મિત્ર ક્યારેય બદલાય નહીં. 

આવો, માત્ર Friendship Belt બાંધી મિત્રતા દિવસની ઉજવણી કરવા કરતાં દિલના સંબંધોને જોડીએ – બાંધીએ.  આપણે ખોટા મિત્રની સંગતમાં તો નથી ફસાયા ને તે તપાસતા રહેવું જોઈએ. મિત્રતા રાખી આપણો ઉપયોગ કરનાર અને પોતાનો સ્વાર્થ જોનાર અંગત મિત્રોથી દૂર રહેવાની વણમાગી સલાહ છે. આટલું વાંચ્યા પછી પણ જો યોગ્ય મિત્રનો સાથ ના લઈએ તો બધુ નકામું.


                           સૌને પોતપોતાના મિત્રો માટે "શુભ મૈત્રી"... "Happy Friendship Day"

Comments

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ