શ્રીકૃષ્ણ જન્મોત્સવ - '24

 શ્રીકૃષ્ણ જન્મોત્સવ :  

 

આજના વરસાદી વાતાવરણમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ આજના દિવસે માનવ અવતાર ધારણ કરી આપણી વચ્ચે આવ્યા એ આપણા જેવા અર્જુનોને માર્ગ દેખાડવા આવ્યા તે સૌ માટે સદભાગ્ય છે. નટખટ કૃષ્ણથી પૂર્ણ પુરુષોતમ સુધીના કોઈપણ સમયગાળાની વાત કરીએ તો પહેલાં પ્રભુ મુખે ગવાયેલી શ્રીમદ ભગ્વદ્ગીતાને યાદ કરવી જ પડે. મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. જે અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે. રણાંગણમાં મોહભંગ થયેલા અર્જુનને અપાયેલો ઉપદેશ એટ્લે શ્રીમદ્ ભગવદ્ગીતા.


અદ્ભુત યોગવિદ્યા જાણકાર મહા તપસ્વી વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભગવદ્ગીતા 5000 થી પણ વધુ વર્ષો પહેલાં ગવાયેલી છે અને હાલ 1400થી વધુ ભાષાઓમાં અનુવાદિત પણ કરવામાં આવેલી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા બ્રહ્મજ્ઞાનકર્મભક્તિ અને જીવનના સારરૂપ 18 અધ્યાયમાં સમાવિષ્ટ 700 શ્લોકો (અસલમાં ગીતા 745 શ્લોકોની હતી એવું માનવામાં આવે છે. કાળક્રમે એમાંથી 45 શ્લોકો નીકળી ગયા હશે.)માં વણાયેલા અમૃત વચનો આજે સમગ્ર માનવજાતને દિશાનિર્દેશ કરી રહ્યા છે.

અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેના સંવાદો તો વાંચીશું ને જીવનમાં ઉતારીશું-જીવીશું તો જ ખબર પડશે. ચાલો, આજે પ્રભુના પ્રેમરસમાંથી થોડું આચમન લઈએ.

જે શક્તિ ચોરીને માખણ મિસરી ખાઈ શકે, તે વાંસળીના નાદે ગોપીને ઘેલા પણ કરી શકે.   

જે શક્તિ માના હાથે દોરડે બંધાઈ શકે, તે બ્રહ્માંડના દર્શન પણ કરાવી શકે.

જે શક્તિ રાધા અને ગોપીને અનહદ પ્રેમ કરી શકેતે ગોવાળિયાઓને ગળાડૂબ વહાલ પણ કરી શકે.

જે શકિત અર્જુનને માર્ગદર્શિત કરી શકેતે સગા મામાને પણ છાતી પર ચઢી બેસી મારી પણ શકે.

જે શક્તિ અર્જુનના સારથિ બની શકે, તે વિશ્વરૂપ દર્શન પણ કરાવી શકે.

જે શક્તિ ક્યારેય હથિયાર નહીં ઉપાડુ એવી પ્રતિજ્ઞા કરી શકે તે, સમય આવે ગગનભેદી બાણ પણ ચલાવી શકે.

જે શક્તિ પોતાની આંગળી પર સુદર્શનચક્ર ધારણ કરી શિશુપાલ વધ કરી શકેતે ભીષ્મ પિતામહ સામે રથના પૈડાને પણ ચક્ર બનાવી શકે.

જે શક્તિ બોડાણાનું ગાડી ચલાવી શકે તે વિશ્વને પણ માર્ગદર્શિત કરી શકે.

જે શકિત સોનાની નગરી દ્વારકાનો રાજા બની શકેતે સુદામાના ચરણામૃત પણ પી શકે.

જે શક્તિ સમગ્ર પૃથ્વીના જગદગુરુ બની શકેતે નારદ મુનિની મોજડી પણ માથે ઉપાડી શકે.

'ક્ષર' અને 'અક્ષર'થી પણ ઉત્તમ અને સર્વના હૃદયમાં સ્થિત ભગવાન શ્રીકૃષ્ણને સમગ્ર માનવજાત 'પૂર્ણ પુરુષોત્તમ' તરીકે ઓળખતી રહી છે, છતાં પરમાત્મા સ્વરૂપ શ્રીકૃષ્ણને માનવા તૈયાર આજનો માનવ તેમનું કહેલું માનવા તૈયાર નથી આ જ તો આપણી વરવી વાસ્તવિકતા છે.

માત્ર કૃષ્ણ જન્મ ઊજવી પંજરીનો પ્રસાદ ખાઈ સોશિયલ મીડિયામાં Like મેળવતો રહેલો આજનો માનવ પોતાની જાતને જન્માષ્ટમી ઉજવણી કરી કૃતકૃત્ય માનતો રહેલો છે. ચાલો, આદિમ શક્તિ વિશે આપણે તો શું લખી શકીએ, પણ તેમણે કહેલી વાતો જીવનમાં ઉતારી શકીએ તોય ઘણું છે.(...મમ વર્તમાનું વર્તન્તે...) અંતમાં, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે તે ના ભૂલીએ.

....જય શ્રીકૃષ્ણ...  

Comments

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ