ગિજુભાઈ અને પુસ્તકાલય
ગિજુભાઈ અને પુસ્તકાલય
આજે બાળવાર્તા સાહિત્યકાર ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ છે. આપણે સૌ જ્ઞાત છીએ કે, 2021 થી ગિજુભાઈ બધેકાના જન્મદિવસને “બાળવાર્તા દિન” તરીકે
ઉજ્વવાનું નક્કી કરાયું છે. ચાલો, આજે સુપ્રસિદ્ધ બાળવાર્તાકારની
અવનવી વાતો વિશે જાણવાની સાથે સાથે પુસ્તકાલયની વાત પણ જાણીએ.
બાળવાર્તાઓ બાળકોને અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે. બાળકોને પાંખ
આપવાનું કામ કરે છે વાર્તાઓ. પક્ષીઓ, પ્રાણીઓ, રાજા, રાજકુમારો, પરીઓ અને અન્ય
પાત્ર દ્વારા એક ચોક્કસ વિચાર સાથે જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. આ કામ કર્યું
આપણી ‘મૂછાળી મા’ (ગિજુભાઈ બધેકા)એ. તેઓએ ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને ભાવવિશ્વનું
સરનામું ચીંધ્યું છે. બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર ગિજુભાઈએ સાદી અને સરળ ભાષામાં આનંદપ્રદ, માહિતીપ્રદ અને કલ્પનાના વિશ્વને ઉજાગર કરતા બાળસાહિત્યની
એક નવી દિશા ખોલી આપી છે.
200 થી
વધુ પુસ્તકો લખનાર ગિજુભાઈ માનતા હતા કે, જો બાળકો સાથે
આદરપૂર્વક વર્તન કરવામાં આવે અને શીખવાની તકો આપવામાં આવે તો બાળક શાળાએ આવવામાં
ગલ્લા તલ્લા નહી કરે અને ત્યાં આવવા માટે ઉત્સાહિત રહેશે. તેમના આ વિચારો તેમણે
તેમના મિત્ર ઢસાના દરબાર ગોપાલદાસને જણાવ્યા. દરબાર ગોપાલદાસે તેમના મિત્ર મોતીભાઈ
અમીનને મળવાનું સૂચવ્યું. જેઓ ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા તરીકે જાણીતા
છે. મોતીભાઈએ તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં. આ પુસ્તકોએ તેમને
કેળવણીનો સાચો રસ્તો બતાવ્યો. સાચા અર્થમાં વાચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો.
આ પુસ્તકાલયોની આવશ્યકતા વિશે તેઓની સ્પષ્ટ વિચારસરણી શું શીખવે
છે તે તેમના જ શબ્દોમાં જાણીએ.
પુસ્તક સ્વતઃ શિક્ષા ગુરુ છે અને
પુસ્તકાલય એ શાળા છે. શાળામાં માણસ જ્ઞાન લેવાનું સાધન માત્ર મેળવે છે, પણ પુસ્તકાલયમાં જઈએ તો સ્વયં જ્ઞાન મેળવે છે.
એક સારું પુસ્તકાલય અનેક શિક્ષકોની ગરજ સારે છે. શિક્ષકની જેમ પુસ્તકાલય
વિદ્યાર્થીઓને ધમકાવતું નથી. તે પ્રેમથી, વિનયથી, રસ વડે તેમાં આવનારને ભણાવે છે. હરેક શાળામાં
પુસ્તકાલય એક અધિક શિક્ષણ તરીકે ગણવું જોઈએ અને
શિક્ષક પોતે બધો વખત શીખવવાનો મમત રાખવા કરતાં વધારે ને વધારે છૂટા મૂકવા જોઈએ.
પુસ્તકાલયરૂપી શાળા ગામેગામ અને લત્તેલત્તે સ્થાપવી જોઈએ. શિક્ષકને
ભણાવવાની મહેનત લેવી પડે છે. જ્યારે પુસ્તકોને જ્ઞાન આપવાની મહેનત લેવી પડશે નહીં, માત્ર વારંવાર વંચાઈને ફાટવું પડશે. શિક્ષકની
ચોક્કસ હાજરી સિવાય ભણતર સંભવિત નથી. તેને બદલે પુસ્તકાલયનાં બારણાં ચોવીસ કલાક
ઉઘાડાં રાખીશું તો ચોવીસેય કલાક શિક્ષણ ચાલશે.
વ્યવસ્થા, શાંતિ, સભ્યતા તથા વિનયનું શિક્ષણ આપવાનો પ્રબંધ પણ પુસ્તકાલય કરી શકશે. પુસ્તકો કેમ વાપરવાં, કેવી રીતે વાંચવા, વાંચનાર પ્રત્યે કેમ વર્તવું, આવ-જા કેમ કરવી વગેરે શીખવવામાં આપોઆપ ઘણી કેળવણી આવે છે.
- ગિજુભાઈ બધેકા
આવો, આપણી સૌ સંકલ્પ કરીએ કે, શાળાઓમાંના પુસ્તકાલયો ધમધમતા થાય. બાળકો માટે અવિરત ખુલ્લા રહે અને બાળકોને વાંચવા માટે અવકાશ આપવામાં આવે. .
Comments
Post a Comment