વિશ્વ પુસ્તક દિવસ 2018
વિશ્વ પુસ્તક દિવસ - 23 એપ્રિલ
આજે 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ. નાનપણમાં જ્યારથી ભણવાનું શીખ્યા ત્યારથી જ આ પુસ્તકોના સહારે ચાલવાનું મન મનાવી જ લીધું હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ ( આવું કહેવા કરતાં સમજણ મોટી થતી ગઈ તેમ એવું કહેવું વધારે યોગ્ય ગણાશે.) તેમ પુસ્તકો તો જાણે જીવનમાં વણાઈ ગયાં. વર્ષો પછી " મારો પ્રેમ, મારુ પુસ્તક" પાકું થઇ ગયું ત્યારથી પુસ્તકોથી દૂર રહેવાનું ગમ્યું નહિ. કૉલેજકાળમાં ભણવાનો ને ભણાવવાનો મોકો મળ્યો ત્યારે પણ અને આજે શિક્ષકની નોકરીમાં પણ પુસ્તકો તો મિત્રો જ બની ગયા. આગળ કહ્યું તેમ સમજણ વધતી ગઈ તેમ પુસ્તકોની પસંદગીના વિષયો બદલાતા રહયા પણ વાંચન અટક્યું નહિ. શાળામાં બાળકોની સાથે આજના શુભ દિવસની વાત કરતાં કરતાં યાદ આવ્યું કે, આજે વિશ્વ પુસ્તક દિવસે ય પુસ્તકનું વાંચન તો ચાલુ જ છે તો તેના વિશે લખવું જ જોઈએ.
જ્ઞાનની ટોચ પાર બિરાજતા શ્રીમદ્દ આદ્ય શંકરાચાર્ય વિરચિત શ્રીકૃષ્ણાષ્ટકમના માત્ર આઠ શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણના ભાવ, પ્રેમસમા સ્તવનને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ પોતાની વાણીમાં પ્રવચનરૂપી અર્કને માણવાનો અવસર ચૂકાય નહિ. વધુ ન લખતાં આ જ પુસ્તકમાં ભાવવંદનામાં મુકેલી વાતને જેમની તેમ મુકીશ. "મંદિરો શાંતિ અને સ્વસ્થતા આપે તેવાં હોવાં જોઈએ. ભવ્યતા, શાંતિ અને મૂર્તિપૂજા આ ત્રણે વાતો મંદિરમાં ભેગી થશે તો સગુણોપાસના માથે લઈને આખું વિશ્વ નાચશે.'' એમિલી ડિકિન્સન કહે છે તેમ, " પુસ્તક આત્માની સવારી માટેનો રથ છે." આપણા આત્માને ઉજાગર કરનારા સાધનરૂપ પુસ્તકોની સાથે જીવીએ.
ચાલો, સૌ સાથે મળી પુસ્તકોનું સેવન કરીએ. પુસ્તકોને સાચા મિત્રો બનાવીએ ને સતત તેના વિચારો સાથે જીવવાનો પ્રયાસ કરતા રહીએ. શાળાના પુસ્તકાલયોને ખુલ્લા રાખીએ ને પુસ્તકો વાંચવાની ને વંચાવવાની પણ ટેવ વિકસાવીએ. ગ્રંથપાલ વિજ્ઞાનના પિતામહ ડૉ. એસ. આર. રંગનાથને પુસ્તકના વાચક અને ગ્રંથાલય માટે કરેલી વાતને ભૂલીશું નહીં. 1.પુસ્તકો ઉપયોગ માટે છે. 2. દરેક વાચકનો સમય બચાવો. 3. દરેક પુસ્તકને વાચક મળે. 4.ગ્રંથાલય ચિરવર્તમાન સંસ્થા છે. આ બધાનો સુભગ સમન્વય કરી આપણી માનવ સંસ્કૃતિની વિરલ વિરાસતને સંભાળીએ. અંતમાં, વિશ્વભરના સૌ પુસ્તકોને વંદન કરીએ
ઉમદા વિચાર. પુસ્તકનો રૂપ રંગ બદલાઇ રહ્યાં છે, ત્યારે વાંચન પ્રક્રિયામાં પણ બદલાવ આવ્યો છે. ધબકાર માં તમે આ વિષય પર પ્રકાશ પાડતો લેખ લખો એવો આગ્રહ. આભાર.
ReplyDelete