ગીતા જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧
ગીતા
જયંતી : મોક્ષદા એકાદશી - માગશર સુદ ૧૧
આજથી 5000થી વધુ વર્ષો પહેલાં કુરુક્ષેત્રની રણભૂમિમાં
- મહાભારતના યુદ્ધમાં અસમંજસમાં ફસાયેલા અર્જુનને
નિમિત્ત બનાવી સૌના હૃદયસમ્રાટ અને પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણના
મુખે ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ રચિત મહાભારતના 6 પર્વ
ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 એ 18 અધ્યાય એટ્લે શ્રીમદ ભગવદગીતા. 18 અધ્યાય અને 700 શ્લોકોમાં ગૂંથાયેલી આ ગીતા વિશ્વને ઉચ્ચત્તમ તત્વજ્ઞાન આપી રહી
છે. અત્યાર
સુધીમાં સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી લખાયેલા ધર્મગ્રંથોમાંથી એકપણ પુસ્તકનો
જન્મદિવસ મનાવવામાં આવતો નથી પણ શ્રીમદ ભગવદગીતાની એક પુસ્તક નહિ, પણ ધર્મગ્રંથની જન્મજયંતી ઉજવાતી રહી છે. અર્જુન
વિષાદયોગથી શરૂ થયેલી તત્વજ્ઞાનની અનુષ્ટુપ છંદમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના શ્લોકોમાં રચાયેલી વિચારધારાનો પ્રવાહ મોક્ષસંન્યાસ યોગ સુધી વહેતો
રહ્યો છે.એનું કારણ છે કે, આ ગીતનો ગાનાર ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે.
હતાશ અને નિરાશ થયેલા માનવસમાજને સાહસ, શ્રદ્ધા અને આશ્વાસન આપવા પ્રભુએ
અર્જુનને નિમિત્ત બનાવી સૌને માર્ગદર્શન આપ્યું છે. જેમનું જીવન જ ગીતામાય છે એવા
પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી જણાવે છે કે, 'પરમાર્થમય જીવન ગાળનારાઓમાં ભગવાન શ્રીકૃષ્ણ અગ્રસ્થાને
બિરાજે છે. ભગવાન બુદ્ધે બુદ્ધિ દ્વારા પોતાના ધર્મનો પ્રચાર કર્યો, ઈસુ ખ્રિસ્તે સૌજન્યથી પોતાના ધર્મનો
પ્રચાર કર્યો અને મોહમ્મદ પયગંબરે નિશ્ચયપૂર્વક પોતાના ધર્મનો પ્રચાર કર્યો. ભગવાન
શ્રીકૃષ્ણમાં આ ત્રણેય વસ્તુઓ નિશ્ચય, બુદ્ધિ અને સૌજન્યનો સુંદર અને સુભગ સમન્વય જોવા મળે છે. 'આપણા સર્વ પ્રશ્નોના જેમાં સચોટ ઉકેલ
છે તેવી સર્વ શાસ્ત્રમયી ગીતા આજના ‘અરજણ’ માટે પણ ઉપયોગી સાબિત થઇ રહી છે. નિઃસ્વાર્થ જીવન જીવી
પોતાની કુશાગ્ર બુદ્ધિથી નાનપણથી જ અનોખા પરાક્રમી એવા શ્રીકૃષ્ણ સાચા અર્થના ‘નેતા’ તરીકે ઉભરી આવે
છે. વિશ્વચિંતકો પણ
જેના પર મનન - ચિંતન કરી તે વિચારો મુજબ જીવવા પ્રયત્ન કર્યો છે એવી સર્વશાસ્ત્રમયી ગીતાને વાંચવા, ગોખવા કે માત્ર પૂજન કરવાનો ગ્રંથ નહિ, પણ તે મુજબ જીવન જીવવાનો ગ્રંથ છે એ ન ભૂલીએ.
(વિચારાધાર : પ.પૂ. પાંડુરંગશાસ્ત્રી આઠવલે)
Comments
Post a Comment