દિન વિશેષ : ગુજરાતની કોયલ દિવાળીબેન ભીલ
દિન વિશેષ : ગુજરાતની કોયલ દિવાળીબેન ભીલ
"મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે…”, "પાપ તારું પરકાશ જાડેજા..." અને “હું તો કાગળીયા લખી લખી થાકી…” આ ગીતો સાંભળતા જ આપનું
ગુર્જરપણું જાગી ઊઠે ને એક જ નામ યાદ આવે અને તે એટ્લે ગુજરાતી લોકગીતોના
સ્વરસામ્રાજ્ઞી અને ગુજરાતની કોયલ એવા દિવાળીબેન ભીલ. ગુજરાતી ભજનો અને લોકગીતોને
ગુજરાત જ નહિ, પણ વિશ્વના અન્ય દેશોમાં પણ પહોચાડનાર દિવાળીબેન ભીલનો જ્ન્મ ૦૨/૦૬/૧૯૪૩ના
રોજ અમરેલી જિલ્લાના ધારી
તાલુકાના દલખાણીયા ગામમાં પિતા પૂંજાભાઈ અને માતા મોંઘીબેનના ઘરે થયો હતો. પિતાને રેલવેમાં નોકરી મળતા દિવાળીબેન ૯ વરસની ઉંમરે જૂનાગઢ આવ્યા. પોતાની માતા સવારના પહોરે દરણું દળતી ત્યારે માતા જે લોકગીતો કે
લગ્નગીતો ગાતા તે ઝીલીને પોતે શીખતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે શરૂઆતમાં એમણે ડોક્ટરના ઘરે રસોઇ બનાવવાનું પણ કાર્ય કર્યું. લગ્નજીવનથી બંધાયા પણ પિતાને વેવાઈ
સાથે મનદુઃખ થતાં બીજા જ દિવસે સાસરિયું છોડી દીધું અને પછી એમણે ક્યારેય લગ્ન કર્યા નહીં. આજીવન બ્રહ્મચર્યની
અલખ આરાધના જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખી.
હેમુભાઈ ગઢવીએ જૂનાગઢના વણઝારી ચોકમાંથી
શોધી કાઢેલું ગાયકી રતન એટ્લે દિવાળીબેન ભીલ. 1961 માં એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કરવામાં આવ્યું ને એ માટે એમને પાંચ રૂપિયાનું
મહેનતાણું પણ આપવામાં
આવ્યું હતું. આપણા અભણ દિવાળીબેને આકાશવાણી પર ગીતોની ધૂમ મચાવી દીધી. ત્યારપછી તો એમણે ગુજરાતી ચલચિત્રોમાં ૨૦૦ થી વધુ ગીતો ગાઈ પાર્શ્ચગાયિકા તરીકે પોતાના સ્વરનો જાદુ પાથર્યો. કેટલીક ફિલ્મો તો તેમના અવાજમાં ગવાયેલા ગીતોના કારણે જ સુપરહિટ
બની ગઈ. ભીખુદાન ગઢવી, પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ્લ દવે જેવા નામાંકિત ગાયકો સાથે માત્ર 16 વર્ષની ઉમરથી શરૂ
કરેલી તેમની ગાયકી યાત્રા અર્ધી સદી કરતાં વધુ સમય સુધી ચાલતી રહી. અમેરિકા, ઈંગ્લેન્ડ
જેવા ૧૫ થી વધુ દેશમાં ગુજરાતી લોકગીતોનું રસપાન કરાવી ચૂક્યા હતા. પાંપણો ઢાળીને
પરમેશ્વરમાં લીન થઈ ગીતો-લોકગીતોની સુરાવલી રેલાવનાર દિવાળીબેને ગાયકીને કમાણી કે
પોતાની ઓળખનું સાધન ન ગણી માનવસેવા માટે કાર્ય કરતી વ્યક્તિઓ કે સંસ્થાઓ માટે એક
પણ પૈસો લીધા વિના લોકગીતો ને ભજનોના સૌથી વધુ જાહેર અને અન્ય કાર્યક્રમો આપ્યા
છે.
સ્ટેજની મર્યાદા સાથે પોતાના માથેથી પણ મર્યાદાનું ઓઢણું રાખી અલગ અંદાઝમાં ગીતોની રમઝટ બોલાવનાર કોકિલકંઠી દિવાળીબેનના અવાજની મીઠાશ દિલ્હીના દરવાજે પણ પહોચી ગઈ હતી. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 'જશમા ઓડણ' નું ગીત પણ ગવડાવ્યું હતું. નિરાભિમાની દિવાળીબેન સરળતા અને સાદાઈ સાથે વિવેકપૂર્ણ ગીતોનું રસપાન કરાવતા રહ્યા. સાચા અર્થમાં લોકગીતોને પચાવનાર ખરા અર્થના 'વગડાનાં ફૂલ' હતા. સાવજોના વતન એવા ગીરના વિસ્તારમાં જીવન પસાર કરનાર દિવાળીબેનમાં સાહસવૃત્તિ અને મક્કમતા સહજ વણાઈ ગયા હતા.
ગુજરાતી લોકગીતોના અમૂલ્ય પ્રદાન બદલ ૨૪ માર્ચ, ૧૯૯૦ ના રોજ ભારત
સરકાર તરફથી પ્રથમ મહિલા
ગાયિકા તરીકે 'પદ્મશ્રી' થી સન્માનિત કરાયા
હતા. આ ઉપરાંત, સંગીત નાટક અકાદમી એવોર્ડ, હેમુ ગઢવી એવોર્ડ, વાઈબ્રાન્ટ ગુજરાત એવોર્ડ પ્રાપ્ત કરવાની સાથે સાથે ગુજરાતી સમાજ ઓફ
ન્યૂજર્સી તરફથી પણ સન્માન મળી ચૂક્યું હતું. એટલું જ નહિ,
મુંબઈની હીરા માણેક સંસ્થા ધ્વારા તો તેમના પગ દૂધથી ધોઈ ત્રિરંગાની પ્રતિકૃતિ
પહેરાવી, સોનેરી ગુલાબ સહિત ૨૧ હજારનો ચેક પણ અર્પણ કરવામાં
આવેલ. આવા સન્માનીય લોકગાયિકા દિવાળીબેન લાંબી બિમારીને કારણે ૧૯ મે ૨૦૧૬ના રોજ આપણી વચ્ચેથી
વિદાય લઈ તેમના સ્વરને પ્રભુ સ્વરમાં વિલીન કરી દીધો. ગુજરાતી લોકસંગીતના અદકેરા
ગાયિકા એવા કોકિલકંઠી દિવાળીબેન ભીલને શ્રદ્ધાસુમન અર્પીએ.
લેખન/સંકલન
: ભાનુપ્રસાદ પંચાલ
સુંદર..
ReplyDelete