દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ
દિન વિશેષ : રામપ્રસાદ બિસ્મિલ
એક નાના બાળકે પોતાના ગુરુ પાસે આવી કહ્યું કે, ગુરુજી આપની સામે પ્રતિજ્ઞા કરું છું કે, "અંગ્રેજ રાજ્યનો નાશ કરવા હું જીવનભર ઝઝૂમીશ. આ પ્રતિજ્ઞા એ જ મારો જીવનમંત્ર" ગુરુજી કહેવા લાગ્યા, "બેટા, તારા જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનશે. એ ઘટનાઓ તારા દેહને, આયુષ્યને જોખમમાં મુકશે, તારો દેહ જગત પર રહેશે નહીં, પણ તારા કાર્યો બીજાને પ્રેરક બનશે. તું વાતાવરણને ઉગ્ર રૂપ ન આપતો." મિત્રો, નાનપણમાં અંગ્રેજ સલ્તનતને નાશ કરવાની આવી પ્રતિજ્ઞા લેનાર અને પોતાનામાં સ્વદેશપ્રેમ જાળવી રાખનાર ક્રાંતિવીર વીર હતા રામપ્રસાદ બિસ્મિલ. જેઓ ઘરબાર છોડી દેશસેવામાં જોડાઈ ગયા. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 11મી જૂન 1897ના રોજ થયો હતો. પિતાનું નામ મુરલીધર હતું.
અંગ્રેજો સારા વિશ્વમાં છવાયેલા હતા. ભારત પણ એમની ગુલામીનું ભોગ
બન્યું હતું. તે વખતે ભારતમાં એકતા અને રાષ્ટ્રભાવનાનો એક જુવાળ ચાલી રહ્યો હતો.
કોઈપણ રીતે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની અને દેશ માટે બલિદાન આપવાની ચેતના
જાગૃત કરવાનું કામ રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારી વીરોએ કર્યું હતું. આને
લીધે સમાજમાં દેશદાઝ ઊભી થઈ. સાહસ, શૌર્ય અને
મર્દાનગીથી અંગ્રેજો સામે પોતાની જાતનું બલિદાન આપવા માટે યુવાનો તૈયાર થવા
લાગ્યા. કુટુંબની આર્થિક પરિસ્થિતી નબળી હતી. મૂળ વતન ગ્વાલિયર છોડીને શાહજહાનપુર
આવીને રહ્યા. તેમના પિતા મુરલીધર સુધરાઇમાં નોકરી કરતા હતા. ઉંમર વધવાની સાથે-સાથે
રામપ્રસાદમાં ફરિયાદો વધવા લાગી હતી. બીડી પીવી, ભાંગનો નશો કરવો, તોફાનો કરવા જેવી
દરેક પરિસ્થિતિ વખતે પિતાના હાથનો માર ખાવાની પણ નોબત આવી હતી.
ચોરી કરવી, ઉર્દૂ ભણવામાં રસ ન પડતાં ઉઠી જવું જેવી સ્થિતિમાં ઘરની બાજુમાં આવેલા મંદિરના પૂજારીની સોબતના કારણે તેમને બ્રહ્મચર્યનો ઉપદેશ મળ્યો. જેની તેમના જીવનમાં ખૂબ મોટી અસર થઈ રહી. કઠોર તપ કરી આર્ય સમાજની વાતો પોતાના જીવનમાં ઉતારી. આર્ય સમાજની સભાઓ ભરીને ભાષણ કરવાનું શીખી લીધું. રામપ્રસાદને સોમદેવ પાસેથી રાજકારણના સંસ્કારો પ્રાપ્ત થયા હતા. લખનઉમાં કોંગ્રેસની બેઠકમાં રામપ્રસાદની જવાની ઇચ્છા થતાં પોતાની માની મદદ માંગી. આ બેઠકમાં ગયા પછી રામપ્રસાદની ક્રાંતિકારી ઓ સાથે ઓળખાણ થઈ અને હિંસાથી આઝાદી મેળવવા માંગતા એ લોકોની વાત રામપ્રસાદને ગમી ગઈ. તેઓ ક્રાંતિકારી સમિતિના સભ્ય પણ બની ગયા. ‘અમેરિકાને આઝાદી કેમ મળી ?’ પુસ્તિકા અને ‘દેશવાસીઓને સંદેશ’ નામની પત્રિકા છપાવી ભારતભરમાં ગામડે ગામડે પહોંચાડી. તેમની આ પ્રવૃત્તિને કારણે તેઓ સરકારની આંખમાં આવી ગયા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે શસ્ત્રો જોઈએ અને આ શસ્ત્રો ખરીદવા પૈસા પણ જોઈએ. પૈસા ક્યાંથી લાવવા એ પણ પ્રશ્ન હતો. જેમ તેમ પૈસા એકઠા કરી ત્રણ રાઇફલ બે કારતૂસવાળી બંદૂક અને ત્રણ દેશી રિવોલ્વર પણ તેમણે ખરીદી હતી. ક્યાય નોકરી ન મળતાં જીવન કેમ જીવવું એની મોટી મુસીબત હતી, પણ એક ભાઈબંધની મદદથી નોકરી મળી જતાં જીવનની ગાડી પાટા પર આવી અને ક્રાંતિકારી પુસ્તકો લખીને છપાવવાનું ચાલુ કર્યું. ક્રાંતિકારી દળને પોતાના હથિયારો સોંપી દીધા.
અસહકાર આંદોલનમાં કાંતિવીરોએ એકઠા થઇ અંગ્રેજોને દેશમાંથી હટાવવાની પ્રવૃત્તિ શરૂ કરવી હતી. રામપ્રસાદને પૈસા માટે મૂંઝવણ હતી. એ વખતે એમને સરકારી માલની લૂંટ કરવાનો વિચાર આવ્યો અને તે જે ટ્રેનમાં મુસાફરી કરતા હતા તે ટ્રેનની સરકારી તિજોરીમાંથી આ ક્રાંતિકારીઓએ 35,000/-₹ જેટલી રકમ લૂંટી લીધી હતી. ત્યારપછી તો સી.આઇ.ડી દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી હતી. કાકોરી ટ્રેનની લૂંટકાંડ પછી શાહજહાનપુરમાં એક અંગ્રેજ અમલદાર દ્વારા તપાસ થતાં રામપ્રસાદ અને બીજા ઘણા યુવાનો પકડાઈ ગયા. મહિનાઓ સુધી રામપ્રસાદ અને તેમના સાથીઓ ઉપર કેસ ચાલ્યો. ગુનેગાર સાબિત થયા છતાં જાતે જ પોતાનું બચાવનામું તૈયાર કરીને એમણે કહ્યું કે, "અમને ફાંસીની સજા થવાની જ છે તે અમે જાણીએ છીએ પણ ભારતમાતાની છાતી પર સદાયને માટે શું વિદેશીઓનું તાંડવ ચાલ્યા કરશે ? હું તો મરી જઈશ પણ મસાણમાંથી બેઠો થઇને બહાર આવીશ અને મારા વતનને આઝાદ કરીશ.“ ત્યારબાદ રામપ્રસાદને ફાંસીની સજા થઈ. જેલમાં ફાંસીની રાહ જોતાં જોતાં રામપ્રસાદે પોતાની આત્મકથા લખી અને કહ્યું કે," અંતિમ સમય હવે દૂર નથી, મારો કોઈ મદદગાર નથી, કોઈ ભાઈબંધ નથી, પરમપિતાને હું યાદ કરું છું. 9*9 ની ઓરડીમાં મચ્છરોના ત્રાસ અને માટીના વાસણમાં ખાવાનું મળતું છતાં પણ રામપ્રસાદ ખુશ રહેતા. કારણ કે, તેઓ દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે મોતને વહાલું કરનાર હતા.
ફાંસી પહેલા તેમની માતા તેમને મળવા આવી ત્યારે રામપ્રસાદની આંખમાં આંસુ આવી ગયા. આ બહાદુર માતાએ શું કહ્યું તે ખ્યાલ છે મિત્રો ? એમણે કહ્યું કે, "હું તો ધન્ય થઇ ગઈ, હું અભિમાન લઉ છું કે મારો દીકરો આજે દેશ માટે પોતાનું બલિદાન આપી રહ્યો છે, મારી કૂખ ઉજાળી છે, બેટા, મને તારા મોતનું સહેજ પણ દુઃખ નથી." માતા વિદાય લેતી હતી ત્યારે બહાદુર છોકરાએ કહ્યું કે, “મા ! હું તારા માટે આંસુ સારતો નથી, કાલે મને ફાંસી મળવાની છે તેથી પણ રડતો નથી અને મારા મોતનું દુઃખ પણ નથી. ઘીને આગ પાસે લાવીએ તો કુદરતી રીતે જ ઘી પીગળે એમ કુદરતી રીતે જ મારી આંખમાં આંસુ આવી ગયા. મને કોઈ ભય નથી, પસ્તાવો નથી, મેં મારા મોતને સુધારી લીધું છે. 19મી ડિસેમ્બર 1928ના દિવસે તેમને ફાંસી આપવાનું નક્કી કરાયું. નાહી-ધોઈ, પૂજા પાઠ કરી પોતાના દેશબંધુઓને સંદેશ લખી જણાવ્યું કે, "તમે બની શકે એટલી જનતાને કેળવણી આપજો, સૌ તરફ પ્રેમભાવ રાખજો, ભેદભાવ વગરની દુનિયાનો હું હિમાયતી છું, ગામડામાં જઇ ખેડૂતોની દશા સુધારજો."
જીવનની અંતિમ પળોમાં હસતા મોએ ફાંસીના તખ્તા પર ચઢી, હાથ જોડી મનોમન ગાવા લાગ્યા...'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા...' અને ‘ઓમ શાંતિ શાંતિ’ ના ગુંજારવ સાથે રામપ્રસાદનો
ક્ષણભંગુર દેહ ધરતીમાના ખોળે પોઢી ગયો. મિત્રો, આવા ક્રાંતિકારી વીર રામપ્રસાદ બિસ્મિલનું નામ આજે શહાદતના
ઇતિહાસમાં અમર થઇ ગયું. તેમની આ શહાદતને સો સો સલામ...
લેખન/ સંકલન : ભાનુપ્રસાદ પંચાલ, આણંદ
Very nice & useful information 👌
ReplyDeleteVery good
ReplyDelete