કોમી એખલાસની જોડી વસંત રજબ

 કોમી એખલાસની જોડી વસંત રજબ :

અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમથી આ રથયાત્રા પસાર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, ગયા વર્ષે આ રથયાત્રા કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ કોરોના ગાઈડલાઇનને અનુસરી ઓછા સમયમાં નિયત વિસ્તારમાં રથયાત્રામાં પ્રભુ નગરચર્યા કરશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રથયાત્રાની સુરક્ષા માટે મહિના પહેલાં તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. દર વર્ષે નીકળતી રથયાત્રા આમ તો કોમી એકતાનું એક ઉદાહરણ છે. દર વર્ષે રથયાત્રા પહેલાં સુરક્ષાને લઈને તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આજના દિવસે વર્ષો પહેલા રથયાત્રામાં થયેલા રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને યાદ કરવામાં આવે છે. 1946માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ, ત્યારે કોમી એખલાસ જાળવી આ બંને મિત્રોએ પ્રાણોની આહુતિ આપી હતી.

 

વસંતરાવ હેગિષ્ટે પર ગાંધી વિચારોનો ખૂબ ઊંડો પ્રભાવ હતો અને 15 વર્ષની ઉંમરે જ તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેઓ ગાંધીજી સાથે ચળવળમાં પણ જોડાયા હતા. અસલાલી સુધી ગાંધીજી સાથે દાંડીકૂચમાં તેમણે ભાગ લીધો હતો. 1932, 1940 અને 1942માં તેઓ જેલમાં પણ ગયા હતા. તેમના જ મુસ્લિમ મિત્ર હતા રજબ અલી લાખાણી. જેમનો જન્મ 1919માં કરાંચીમાં થયો હતો. 1935માં તેમનો પરિવાર વતન લીંબડી પરત આવીને વસ્યા હતા. રજબ અલી પણ ગાંધીજીના વિચારોથી પ્રેરિત હતા અને તેમણે અંગ્રેજોની નોકરી નહિ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ પણ ગાંધીજી સાથે જોડાઇ 1938 અને 1942ની લડતમાં સક્રિય ભાગ લીધો હતો.

પરંપરાગત રથયાત્રા સમયે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તંગદીલી ફેલાઇ હતી અને ટોળા સામસામે આવી ગયા ત્યારે રજત અને વસંત બંને મિત્રોએ પોતપોતાની કોમના લોકોને હિંસા પર ન ઉતરવા સમજાવ્યા ને રોક્યા હતા. આ સમજાવટ વખતે જ બંને શહિદ થયા હતા. આ ઘટના બની હતી 1 જુલાઇ 1946ના રોજ. 1 જુલાઈ 1946 ને રોજ અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું. બંને ભાઈબંધો સવારથી જ દોડાદોડી કરતા હતા અને સાંજના જમાલપુરમાં ધમાલના સમાચાર સાંભળી કોઈની પણ રાહ જોયા વિના નીકળી પડયા હતા. જમાલપુરમાં ઉશ્કેરાટથી ભાન ભૂલેલા હિંસક ટોળાંને સમજાવીને શાંત કરવા વસંતરાવ હેગિષ્ટે અને રજબ અલી લાખાણીએ અનેક વિનવણીઓ અને સમજાવટના પ્રયાસો કર્યા પછી ' જાનથી મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો...' એવો ખૂલ્લો પડકાર કર્યો. એ પછી હિંસક ટોળાંએ શાંત થવાને બદલે આવેશમાં આવી જતાં બંનેને પથ્થર, ચાકુ અને ખંજરના ઘા ઝીંકીને જાનથી મારી નાખ્યા.

વસંત અને રજબઅલીએ હિંસા અટકાવવા પોતાની જાતને બચાવવાને બદલે લોકોના જીવ બચાવવા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આ સમાચાર બીજા દિવસે ગાંધીજીને પૂણેમાં મળ્યા. બાપુએ પ્રાર્થનાસભા પછી અમદાવાદના રમખાણો વિશે પોતાનું દુઃખ પ્રગટ કરી જણાવ્યું, 'ગણેશ શંકર વિદ્યાર્થી, વસંતરાવને રજબઅલી જેવા અનેક યુવાનો નીકળી પડે તો રમખાણો હંમેશને માટે નાબૂદ થાય.  સરદાર વલ્લભભાઈ પટેલ તો વસંતરાવને બાલ્યાવસ્થાથી ઓળખતા હતા. સરદારની હાકલ પર પોતાના યુવા સાથીઓ સાથે તત્પર રહેતા વસંતરાવ તો 1931માં સરદાર કરાંચી કોંગ્રેસના પ્રમુખ થયા ત્યારે અમદાવાદથી સાઇકલ લઈને કરાંચી ગયા હતા. સરદાર વસંત-રજબના આત્મબલિદાનથી ખૂબ જ વ્યથિત થયા હતા અને અનેક પ્રસંગોએ તેમની વીરતાના દ્રષ્ટાંત પણ આપ્યા હતા. એમ ઇતિહાસ-સંશોધક ડો. રિઝવાન કાદરીએ નોંધ્યુ છે કે, વીરપુરુષોના આત્મબલિદાનના 6 માસ પછી 17 ડિસેમ્બર 1946ના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એમના વ્યક્તિત્વને દીપાતા સંસ્મરણો તેમના સાથીઓ, મિત્રો, વડીલો,પરિજનો, આગેવાનો વગેરે પાસેથી મેળવીને એકગ્રંથનું સંપાદન કર્યું - 'વસંત રજબ સ્મારક ગ્રંથ'. આ ગ્રંથ ઝવેરચંદ મેઘાણીના જીવન અંતિમ સંભારણું હતું. 

આપણે સૌ જાણીએ છીએ કે, દર વર્ષે 9 ઓગસ્ટ જેને આપણે ક્રાંતિ દિવસ તરીકે ઓળખીએ છીએ. આ દિવસે દેશની એકતા માટે શહીદ થઇ ગયેલા લોકોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે. આજના દિવસે પણ અમદાવાદમાં કોમી એકતા માટે શહીદ થઇ ગયેલા વસંતરાવ અને રજબ અલી લાખાણીને આપણે યાદ કરી શ્રદ્ધાંજલિ આપવી આપણી ફરજ બને છે. લોકોની જાનમાલની રક્ષા કરવાનું, શાંતિ-સલામતી સ્થાપવાનું કામ 'વસંત-રજબ' પોતાના પ્રાણની આહુતિ આપીને કર્યું. અમદાવાદ શહેર પોલીસે બંને શહીદોની મિત્રતા અને આત્મબલિદાનનું ઋણ ચૂકવવા 'ગાયકવાડ હવેલી' ના પરિસરમાં 1 જુલાઈ 1946ની યાદને તાજું કરતું એક સ્મારકનું નિર્માણ 'વોચટાવર'માં કરવામાં આવ્યું છે. દેશમાં આ પ્રથમ પ્રકારનું મેમારિઅલ છે. આ બંને મિત્રોએ કોમી એખલાસનું વાતાવરણ તૈયાર કરી ગુજરાતમાં લોકો શાંતિથી રહે તેવા પ્રયત્નો કર્યા ને જાન પણ ગુમાવ્યા. આજના રથયાત્રાના દિવસે ફરીથી બંને સપૂતોને શત શત વંદન કરી શબ્દાંજલિ અર્પીએ. 

Comments

Post a Comment

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ