વિવેકાનંદ અને વિચાર

                                                           વિવેકાનંદ અને વિચાર 

સ્વામીજી વૈદિક ધર્મ અને સંસ્કૃતિના સમસ્ત સ્વરૂપનું ઉજ્જવળ પ્રતીક હતા એવા બાળપણના નરેન્દ્રદત્ત એટ્લે સ્વામી વિવેકાનંદ જે આપણા આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ હતા. દેશ - વિદેશમાં આપેલાં વ્યાખ્યાનો, પુસ્તકો, લેખો થકી સમગ્ર વિશ્વને તેમનું જ્ઞાન અને શિક્ષણ આજે પણ એટલું જ ઉપયોગી રહ્યું છે. સાચા ધર્મના શિક્ષણની સાથે એમણે સમગ્ર વિશ્વને 'શિવભાવે જીવસેવા' નો બોધપાઠ પણ એમણે જ આપ્યો હતો. આપણને માનવ બનાવનારા ધર્મ અને દર્શનનું શિક્ષણ આપી ભારતની શક્તિનું રહસ્ય એવી સંસ્કૃત ભાષા શીખવા ઉપર પણ ખૂબ ભાર મૂક્યો જે આપણા રાષ્ટ્રનિર્માણની અનન્ય દેન છે. આવા અનન્ય દ્રષ્ટિકોણથી સ્વામી વિવેકાનંદ માત્ર ભારતમાં જ નહિ, પરંતુ સમગ્ર ઇતિહાસમાં ઉચ્ચસ્થાને બિરાજેલા છે. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં 'હિન્દુઓના ધાર્મિક વિચારો' વિષય પર આપેલા ભાષણમાં એમનો ઉપદેશ કૃષ્ણ, બુદ્ધ અને શંકરાચાર્યની જેમ વેદો અને ઉપનિષદના અવતરણથી ભરપૂર હતો. ભગિની નિવેદિતા લખે છે કે, ગુરુ, શાસ્ત્રો અને માતૃભૂમિ દ્વારા વિચારોના પરિણામ સ્વરૂપ સ્વામીજીએ જગતને સર્વ દુઃખ નિવારક રસાયણ આપ્યું. નાનપણમાં પ્રભુ જોવાની તાલાવેલી દાખવનાર નરેન્દ્રએ મોટા થઈ દેશના નવયુવાનોમાં અભયત્વનું સિંચન કર્યું.

સ્વામીજીએ ઋગ્વેદને આધાર માની સમજાવ્યું કે, સર્વેના મન એક થાય અને સમાન વિચારો હોય તો ચોક્કસ ભાવિ ભારતનું સર્જન થઈ શકે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય ત્યાં સુધી તેનું મંદિરમાં જવું નકામું છે. જો કોઈ આપણી પાસે આવે તો તેને યથાશક્તિ મદદ પણ કરવી જોઈએ. ઈશ્વરમાં શ્રદ્ધા, પરસ્પર પ્રેમ અને આધ્યાત્મિકતા સાથે આદર્શવાદી જીવનની વાત પણ એમણે ખૂબ ભારપૂર્વક સમજાવી હતી. ભારતના ઝંઝાવાતી સાધુ એવા વિવેકાનંદ કહેતા કે, હું સુધારામાં નહીં, વિકાસમાં માનું છું. રામના સેતુબંધના વખતની ખિસકોલી જેવો થવા માંગું છું. સારા છીએ તો વધુ સારા થવાનો પ્રયત્ન કરીએ. સમાજના મહાન પ્રવર્તક એવા ગુરુઓના વિચારો, પવિત્રતા અને સામર્થ્યને સ્વીકારી એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. આવી ઉત્કૃષ્ઠ વિચારધારા યુવાનો અપનાવે એ આજના સમયની તાતી જરૂરિયાત છે.

પ્રબળ ઈચ્છાશક્તિ સાથે આત્મવિશ્વાસ, સંગઠન, સમર્પણ અને લક્ષ્ય નિર્ધાર સાથે આગળ વધીશું તો ભારતને વિશ્વમાં ઉચ્ચસ્થાને પહોચાડી શકીશું. મનુષ્યનું ચારિત્ર્ય ઘડનારા વિચારોનું શિક્ષણ જોઈએએવી વિચાર ધારાના પ્રણેતા વિવેકાનંદે જણાવ્યુ હતું કે, જો આપણી જાતમાં શ્રદ્ધા રાખીશું તો જ સમસ્ત ભારતનું પુનર્જીવન સાધી શકીશું. વેદો કહે છે કે, તેજસ્વી, ઉત્સાહવર્ધક, મજબૂત મનવાળો અને બુદ્ધિશાળી યુવાન જ પરમાત્માને પામી શકે. એવી વેદોની વાણી યુવાનોના જીવનમાં આવે તે માટે અલ્પ આયુમાં તેઓ સક્રિય રહ્યા. જાત પર વિશ્વાસ રાખી કોઈ એક વિચારને લક્ષ્ય બનાવવાથી ધાર્યું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે તે એમની વિચારપ્રણાલી પરથી સમગ્ર ભારત વર્ષને શીખવા મળે છે. કલકત્તામાં આપેલા ભાષણમાં તેમણે નવયુવકોને જણાવ્યું હતું કે, ‘ઊઠો જાગો અને ઇચ્છિત ધ્યેય સુધી પહોચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો, બહાદુર બનો. આપણી પ્રાણશક્તિ બતાવવાનો જ આ સમય છે. 

આવો, સ્વામી વિવેકાનંદના ઉચ્ચ વિચારી સાથે ભારત હમેશાં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે તેવા મજબૂત સંકલ્પ સાથે આજના રાષ્ટ્રીય યુવા દિને જય વિવેકાનંદ... 

Comments

Popular posts from this blog

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

બાપૂ, સત્ય અને આપણે – 2024

મોહકતા ને માંગણીનો સંગમ